સુરત શહેરમાં ફરી રોગચાળો બેકાબૂ બન્યો છે, એક જ દિવસમાં તાવના કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે, બદલાતા વાતાવરણમાં રોગચાળો વકર્યો હોવાનું તારણ સામે આવ્યું છે, સચીનમાં 5 મહિનાનું બાળક, પાલમાં યુવક, ઉનમાં પણ યુવકનું તાવના કારણે મોત થયું છે, પાલિકાના રેપિડ સર્વેમાં જ તાવના 763 કેસ નોંધાયા છે.
પાલિકાના રેપિડ સર્વેમાં જ તાવના 763 કેસ નોંધાયા
સુરત શહેરમાં તાવ, ઝાડા-ઊલટીની વધેલી ફરિયાદો, કિસ્સા સામે મહાનગરપાલિકા દ્વારા થયેલા રેપિડ સરવેમાં જ વિવિધ વિસ્તારમાં તાવના 763 કેસ મળ્યા હતા. મંગળવારે પાલિકાની ટીમે 2.58 લાખ ઘરનો સરવે કર્યો હતો અને તે સામે મચ્છરોના 1510 બ્રિડિંગ સ્પોટ મળ્યા હોય જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હતો. આ પુર્વે રવિવારે કરેલા સરવેમાં ૪૦૩ અને સોમવારે કરેલા સરવેમાં તાવના ૭૫૨ જેટલા કેસ નોંધાયા હતા. શહેરમાં તાવના કેસ વધવાની ફરિયાદ વચ્ચે ગત શનિવારે મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. બેઠકમાં કમિશનરની સૂચના અનુસાર તમામ ઝોનમાં તાવ, ઝાડા-ઊલટી તેમજ અન્ય રોગ સંદર્ભે રેપિડ સરવે હાથ ધરાયો હતો.
બદલાતા વાતાવરણ વચ્ચે રોગચાળાએ માથું ઉચક્યું હોવાનું લાગી રહ્યું છે
સુરત શહેરમાં તાવમાં સપડાયેલા ત્રણના મોત થયા હતા. જેમાં સચિનમાં શ્રમજીવી પરિવારના પાંચ મહિનાના બાળકનું તાવમાં મોત થયું હતું તથા પાલમાં યુવકનું તાવની બિમારીમાં સંપડાતા મોત થયું હતું અને ઉન પાટિયામાં અજાણ્યા યુવકનું તાવમાં મોતને ભેટ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન રામેશ્વર કોલોનીમાં આવેલ નીરજ ની ચાલમાં રહેતા રાજુકુમાર ગૌતમ મજૂરી કામ કરી પત્ની તેમજ એકના એક પુત્ર પાંચ મહિનાનો રજનીશનું ભરણપોષણ કરે છે. રાજુકુમારના પુત્ર રજનીશને છેલ્લા બે દિવસથી તાવ આવતો હતો. જેથી ઘર નજીકના ક્લિનિક પરથી દવા ચાલી રહી હતી. જે દરમિયાન મંગળવારે સવારે રજનીશની વધુ તબિયત લથડતા બેભાન થઈ ગયો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.
પાલિકાનું આરોગ્ય વિભાગ રોગચાળાને કાબુમાં કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે
બીજા બનાવમાં પાલ નાયરા પેટ્રોલ પંપ નજીક ૩૮ વર્ષીય મોહમ્મદ સોયેબ મોહમ્મદ મન્સૂરી પરિવાર સાથે રહેતો હતો. મો.સોયેબને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હતો. જેની દવા ચાલુ હતી. દરમિયાન સોમવારે મો.સોયેબની વધુ તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જયાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્રીજા બનાવમાં ઉત્ત પાટિયા પાસે ફૂટપાથ પરથી આશરે ૪૫ વર્ષીય અજાણ્યા યુવકને તાવ આવતો હોવાથી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છેકે, શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોગચાળાએ માથુ ઉચક્યું હોવાનું લાગી રહ્યું છે. સચિન, પાંડેસરા, ઉધના, ભેસ્તાન, ડીંડોલી સહિતના વિસ્તારોમાં તાવ, શરદી, ઝાડા-ઊલટી સહિતના કેસ સામે આવી રહ્યા છે. પાલિકાનું આરોગ્ય વિભાગ રોગચાળાને કાબુમાં કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે.









