સુરતની ચર્ચિત સાયણ સુગર મીલની ચૂંટણીની જાહેરાત થતાં જ સમગ્ર દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રની કુલ 18 બેઠકો માટે સંગ્રામ ખેલાશે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આવતી 9 ઓગસ્ટે મતદાન પ્રક્રિયા યોજાશે અને 11 ઓગસ્ટે મતગણતરી હાથ ધરીને તુરંત જ પરિણામો જાહેર કરવામાં આવશે, જેને લઈને તમામ દાવેદારોમાં ધબકારા વધી ગયા છે.
ભાજપમાં જ સામસામે પેનલો પડી
ચૂંટણીને લઈને 14 અલગ-અલગ ઝોનમાંથી ખેડૂત સભાસદોએ ઉત્સાહભેર પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીનો સૌથી રસપ્રદ વળાંક એ છે કે ભાજપ પ્રેરિત જૂથોમાં જ આંતરિક મતભેદો સામે આવ્યા છે અને ભાજપના જ ઉમેદવારોએ સામસામે પેનલો બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. આ ઉપરાંત, દર્શન નાયકે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતાં ચૂંટણીનો ત્રિપાંખિયો અને રસપ્રદ જંગ જામ્યો છે.
