સુરતના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન GIDCમાંથી એક અત્યંત ગમખ્વાર અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં આવેલી મહાવીર સોસાયટી નજીક વરસાદી પાણીથી ભરેલા એક ઊંડા ખાડામાં રમતા રમતા બે માસૂમ બાળકો અચાનક પડી ગયા હતા. પાણી ઊંડું હોવાના કારણે બંને બાળકો તેમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના રહીશો એકઠા થઈ ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.
છઠ પૂજા માટે ખોદાયેલા ખાડામાં ભરાયું હતું વરસાદી પાણી
આ ખાડો અગાઉ છઠ પૂજાના ઉત્સવ માટે ખોદવામાં આવ્યો હતો, જેમાં હાલના ભારે વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. આ ભયજનક ખાડામાં ડૂબી જનારા માસૂમ બાળકોની ઓળખ શ્રેયા અને ક્રિષ્ણા તરીકે થઈ છે. આ બંને બાળકોની ઉંમર આશરે 7થી 8 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાંથી રમવા નીકળેલા બાળકો કાળનો કોળિયો બની જતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને તેમના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.
