સુરત ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય અને જિંદગી સાથે ચેડાં કરતા નકલી તબીબો સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે. આ અંતર્ગત સુરત ગ્રામ્ય એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમે ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. સાયણ-સિવાણ રોડ ઉપર આવેલી સાંઇવિલા રેસીડેન્સીમાં ધમધમતા 'અરના ક્લિનિક' પર પોલીસે આકસ્મિક દરોડો પાડીને ડિગ્રી વગર એલોપેથિક પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
પશ્ચિમ બંગાળના નકલી ડોક્ટરની થઈ ધરપકડ
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, પશ્ચિમ બંગાળનો વતની વિશ્વજીત માધવ સરકાર નામનો આ ઝોલાછાપ ડોક્ટર કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી કે રજિસ્ટ્રેશન વગર જ સ્થાનિક નિર્દોષ નાગરિકોની સારવાર કરતો હતો. તે લાંબા સમયથી સાયણ વિસ્તારના ગરીબ અને શ્રમિક વર્ગના લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યો હતો. એસઓજી પોલીસે કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધીને નકલી તબીબ વિશ્વજીત સરકારની સત્તાવાર ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
