સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલ દાંડી ગામે ઝીંગા ઉછેર કરતા ખેડૂતો પર આભ તૂટી પડ્યું હોય તેવી આઘાતજનક ઘટના સામે આવી છે. દાંડી ગામની સીમમાં આવેલા દીવા દાંડી વિસ્તારમાં અજાણ્યા ટીખળખોરો કે દ્વેષભાવ ધરાવતા તત્વો દ્વારા ઝીંગાના તળાવોમાં ઝેરી દવા નાખી દેવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના ઝીંગા ઉછેરકો અને સ્થાનિક ખેડૂતોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.

11 તળાવના ઝીંગા મરી પરવાર્યા: રૂ.2 કરોડથી વધુનું નુકસાન

દીવા દાંડી વિસ્તારમાં આવેલ કુલ 13 પૈકી 11 જેટલા ઝીંગા તળાવોમાંથી અચાનક તીવ્ર ઝેરી દવાની વાસ આવવા લાગી હતી. વાસ આવ્યાના થોડા જ સમયમાં તળાવમાં ઉછેરાઈ રહેલા હજારો ઝીંગા મરણ પામ્યા હતા અને પાણીની સપાટી પર તણાઈ આવ્યા હતા. ઝીંગા ઉછેરતા ખેડૂત દિવ્યેશ ખલાસીના જણાવ્યા મુજબ, તળાવમાં વપરાયેલ તમામ મટીરીયલ, બિયારણ અને ઝીંગાના પાકને મળીને આશરે રૂ.2 કરોડથી પણ વધુ રકમનું મંગી નુકસાન થયું છે.

ઓલપાડ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ, તપાસનો ધમધમાટ

પોતાનો આખો પાક નાશ પામતા પીડિત ખેડૂત દિવ્યેશ ખલાસીએ આ અંગે તાત્કાલિક ઓલપાડ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર મામલે કાનૂની કાર્યવાહી માટે જાણવા જોગ અરજી આપાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈને ઓલપાડ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તળાવના પાણી અને મૃત ઝીંગાના સેમ્પલ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તળાવમાં ઝેરી પદાર્થ કોણે અને કયા કારણોસર નાખ્યો તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો