સુરત જિલ્લાના ઓલપાડ પોલીસ સ્ટેશનની ટીમે નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી સામે લાલ આંખ કરીને વધુ એક મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે સાયણ રેલવે બ્રિજ નીચેથી ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડીને 16 કિલોથી વધુ નશીલા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને મોપેડ સહિત કુલ રૂ.8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
સાયણ રેલવે બ્રિજ નીચે દરોડો અને મુદ્દામાલ જપ્ત
ઓલપાડ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સાયણ રેલવે બ્રિજ નીચે મોપેડ પર ગાંજાની હેરાફેરી કરવામાં આવી રહી છે. માહિતીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને બે આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. તેમની પાસેથી મળી આવેલો 16 કિલોથી વધુ ગાંજો, વપરાશમાં લેવાયેલા મોબાઈલ અને મોપેડ વાહન સહિત કુલ રૂ.8.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
