15 ઓગસ્ટના સ્વાતંત્રય દિવસની તડામાર તૈયારી વચ્ચે ગુરુવારે સુરત શહેરને અનેરી ભેટ મળી છે. સુરતના રામનગર વિસ્તારમાં આવેલા મહોલ્લાને 'હિન્દુસ્તાની મહોલ્લો' નામ અપાયું છે. વાસ્તવમાં 2018ના વર્ષમાં પાલિકાના ચોપડે આ મહોલ્લાનું નામ બદલીને 'હિન્દુસ્તાની મહોલ્લો' કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાર બાદ ગુરુવારે નવા નામકરણની તખતીનું અનાવરણ થયું હોય સ્થાનિકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ હતી. રેશનકાર્ડ અને સરકારી દસ્તાવેજોમાં પણ મહોલ્લાનું નવું નામ દાખલ કરવા થોડા દિવસમાં પ્રક્રિયા શરૂ થશે એવો મત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ આપ્યો હતો.


સુરત શહેરમાં શેરી-મહોલ્લાના વાંધાજનક નામોને લઇને સમયાંતરે વિવાદ છેડાઇ છે. આવો જ એક વિવાદ, ચર્ચા રામનગર વિસ્તારમાં આવેલા એક મહોલ્લા સાથે જોડાયો છે. રામનગર વિસ્તારનો આ મહોલ્લો દાયકાઓ સુધી પાકિસ્તાની મહોલ્લા તરીકે ઓળખાતો હતો. ભારત દેશના આઝાદ થયા બાદ પડેલા ભાગલાને પગલે સિંધ પ્રદેશથી ભારતમાં આવી ગયેલા સિંધી પરિવારો પૈકીના કેટલાક સુરતના રામનગર વિસ્તારમાં વસવાટ કરવા આવ્યા હોય મહોલ્લાને શરતચૂકથી અથવા તો લોકમુખે પાકિસ્તાની મહોલ્લો નામ મળ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 2018ના વર્ષમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને આ વિસ્તારનું નામ બદલવા પત્ર લખ્યો હતો. આ પત્રના અનુસંધાને 17 ડિસેમ્બર, 2018ના રોજ સમિતિએ ઠરાવ નંબર 38/2018 કરીને પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો કરવાનો નિર્ણય લીધો હતો. ગુરુવારે ધારાસભ્ય પૂર્ણેશ મોદીની હાજરીમાં તખ્તીના અનાવરણ સાથે નિર્ણયનો સત્તાવાર અમલ કરાયો છે. વધુમાં, રેશનકાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજોમાં પણ જૂના નામની જગ્યાએ નવું નામ અંકિત કરવાની પ્રક્રિયા થશે એવું ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું.


  • Follow us on: