સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં સરકારી યોજના હેઠળ અપાતા પૌષ્ટિક આહારમાં ભારે બેદરકારી સામે આવતાં મોટો વિવાદ ઊભો થયો છે. ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલવામાં આવેલો કઠોળનો જથ્થો વાસી, અખાદ્ય અને એક્સપાયરી ડેટ વાળો હોવાનો ધડાકો થયો છે.
વાસી કઠોળ મોકલવામાં આવ્યું
મળતી માહિતી મુજબ, પાંડેસરા સ્થિત આંગણવાડી કેન્દ્રો પર સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને આપવા માટે વાસી કઠોળ મોકલવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરોએ જ્યારે આ જથ્થાની પ્રાથમિક તપાસ કરી ત્યારે આ સમગ્ર બાબત બહાર આવી હતી. અખાદ્ય અને વાસી કઠોળનો જથ્થો પકડાતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
