સુરત શહેર પોલીસના પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) એ પાછલા 25 વર્ષથી કાયદાની આંખમાં ધૂળ નાખીને નાસતા-ફરતા અતિ પળાયેલ અને હાર્ડકોર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સુરત PCB પોલીસે ઉધના વિસ્તારમાં સર્જાયેલા સનસનાટીભર્યા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી મિથિલેશ મેનેજર સિંહ ભૂમિહારની ઝારખંડ ખાતેથી ધરપકડ કરી લીધી છે. સુરત પોલીસ દ્વારા આ સાતિર આરોપીની ધરપકડ પર રૂ.20,000નું રોકડ ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી મેનેજરની હત્યા આચરી હતી
વર્ષ 2001માં આરોપી મિથિલેશ ભૂમિહારે તેના અન્ય સાગરીતો સાથે મળીને સુરતના ઉધના ગામ સ્થિત જૂના પેટ્રોલ પંપ પર તીક્ષ્ણ હથિયારો અને આગ્નેયાસ્ત્રો (રિવોલ્વર/પિસ્તોલ) સાથે ધાડ પાડી હતી. લૂંટના આ હિંસક પ્રયાસ દરમિયાન આરોપીઓએ ફાયરિંગ કરતા પેટ્રોલ પંપના મેનેજરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ સનસનાટીભર્યા ગુના બાદ આરોપી પોતે પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ રાજ્યોમાં ભાગતો ફરતો હતો અને ઉધના પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર થયો હતો.
