સુરત પીસીબી પોલીસે હત્યા જેવા ગંભીર ગુનામાં છેલ્લા 25 લાંબા વર્ષોથી પોલીસ પકડથી બચીને નાસતા ફરતા આરોપી ઉમેશ ગોપાલ માનકરને મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લીધો છે. આરોપી વર્ષ 2000માં સુરતના પાંડેસરા વિસ્તારમાં રહીને હમાલી કામ કરતો હતો. તે દરમિયાન તેનો માલજી પાટીલ નામના ઇસમ સાથે ઝઘડો થયો હતો, જે ઉગ્ર બનતા આરોપીએ આવેશમાં આવીને લાકડાના ફટકા મારી માલજીભાઈની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં તેની સામે કાયદેસરનો હત્યાનો ગુનો નોંધાયો હતો અને ત્યારથી તે કાયદાની પકડથી ફરાર ચાલતો હતો.

પોલીસથી બચવા 25 વર્ષ સુધી છુપાઈ રહ્યો

આરોપી પોલીસ અને તપાસ એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને કાયદો અને વ્યવસ્થાથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલતો રહેતો હતો. છેલ્લા 25 વર્ષો દરમિયાન તે મધ્યપ્રદેશ તેમજ મહારાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ગુપ્ત રીતે છુપાઈને જીવન વિતાવી રહ્યો હતો. પોલીસ પકડથી બચવા માટે તે એટલો ચાલાક હતો કે તેણે આટલા લાંબા સમય સુધી ક્યારેય પણ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો ન હતો, જેથી તેનું લોકેશન ટ્રેક ન થઈ શકે. તેમ છતાં, પોલીસની ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમે બાતમીના આધારે આખો વ્યુહ ગોઠવીને આખરે તેને નાસિકથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.

Surat Police crackdown

પકડાયેલા આરોપીને પાંડેસરા પોલીસને સોંપવાની તજવીજ 

બે દાયકા કરતા પણ વધુ સમયથી કાયદાની પકડથી દૂર રહેલા આ આરોપીના ઝડપાઈ જવાથી વણઉકેલાયેલા ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે. હાલ સુરત પીસીબી પોલીસે આરોપી ઉમેશ ગોપાલ માનકરનો કબજો સત્તાવાર રીતે પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કજિયાત અને કાનૂની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરીને આ ૨૫ વર્ષના સમયગાળા દરમિયાન તેને કોણે-કોણે આશરો આપ્યો હતો અને તે ક્યાં-ક્યાં છુપાયો હતો તે તમામ બાબતો પરથી પડદો ઉંચકવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો