ડાયમંડ સિટી સુરતમાં દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે તસ્કરો અને અસામાજિક તત્વો પર લગામ કસવા માટે સુરત પોલીસ દ્વારા અત્યંત મહત્વનું સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરતના જ્વેલર્સ, આંગડિયા પેઢીઓ, બેંકો અને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા તમામ વેપારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ 10 સુરક્ષા સૂત્રોની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેથી તહેવારો દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ટાળી શકાય.
24 કલાક CCTV, બ્લાઇન્ડ સ્પોટ નિવારવા અને KYC ફરજિયાત
નવી માર્ગદર્શિકા મુજબ, તમામ પેઢીઓ અને દુકાનોમાં 24 કલાક સીસીટીવી (CCTV) કેમેરા કાર્યરત રાખવા અને કોઈપણ પ્રકારના બ્લાઇન્ડ સ્પોટ વિના કેમેરા ચાલુ રાખી તેનો ક્લાઉડ બેકઅપ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, કર્મચારીઓ, ગ્રાહકો અથવા આંગડિયા સ્ટાફનું આઈડી અને વાહન વેરિફિકેશન કર્યા પછી જ પ્રવેશ આપવા તથા જૂના ઘરેણાં ખરીદતી વખતે ગ્રાહકોનું KYC ફરજિયાત કરીને આધાર-પુરાવા તપાસ્યા બાદ જ પાક્કું બિલ બનાવવા વેપારીઓને તાકીદ કરવામાં આવી છે.
