સુરત શહેરમાં દિવાળીના પાવન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા નાગરિકોની મિલકતની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત પોલીસ દ્વારા અત્યારથી જ સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. તહેવારોની મોસમમાં ઘરફોડ ચોરી, લૂંટફાટ કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે શહેર એસઓજી (SOG) પોલીસ દ્વારા વિવિધ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓના સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે એજન્સીઓને કેટલીક ખાસ સૂચનાઓ આપવામાં આવી છે.

રાત્રિ સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી કેમેરા ફરજિયાત 

પોલીસ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સોસાયટીઓની સુરક્ષા અંગે ભાર મૂકવામાં આવ્યો હતો, શહેરની તમામ સોસાયટીઓ અને અપાર્ટમેન્ટ્સમાં રાત્રિના સમય માટે ફરજિયાતપણે સિક્યુરિટી ગાર્ડ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. સોસાયટીના રહીશોને તેમની સોસાયટીના પ્રવેશદ્વાર અને અંદરના વિસ્તારોમાં ફરજિયાતપણે સીસીટીવી (CCTV) કેમેરા લગાવવા માટે વિશેષ તાકીદ કરવામાં આવી છે. રક્ષક જ ભક્ષક' ન બને તેની કાળજી રાખીને સોસાયટીમાં કામ કરતા તમામ સિક્યુરિટી ગાર્ડ્સનો સંપૂર્ણ ડેટા અને પૃષ્ઠભૂમિની માહિતી એજન્સીઓ તેમજ રહીશો પાસે ઉપલબ્ધ રહે તેવા આદેશ અપાયા છે. 

પોલીસની કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ 

સોસાયટીમાં પ્રવેશતા કોઈપણ અજાણ્યા કે શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ જ તેને સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવે તેવી કડક વ્યવસ્થા ગોઠવવા અપીલ કરાઈ છે. સુરત પોલીસની આ સક્રિય અને આગોતરી કામગીરીથી તહેવારો દરમિયાન નાગરિકો સુરક્ષિત અનુભવશે અને અસામાજિક તત્વોમાં પોલીસનો ડેટા અને કડક પહેરાથી ફફડાટ વ્યાપી જશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો