આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા અને અન્ય તહેવારો દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત રહે તે માટે સુરત પોલીસ કમિશનરેટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજિક તત્વો અને માથાભારે શખ્સો પર કડક લગામ કસવાના હેતુથી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ "ઓપરેશન રેમ્બો" શરૂ કરવામાં આવ્યું છે. તહેવારોના માહોલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શહેરીજનો ભયમુક્ત રીતે ઉત્સવ ઉજવી શકે તે માટે પોલીસે અત્યારથી જ પૂર્વતૈયારીઓ કરીને ગુનેગારો સામે યુદ્ધના ધોરણે મોરચો માંડ્યો છે.

ઓનલાઈન અને રીટેઈલ શોપ પર દરોડા

આ ઓપરેશન અંતર્ગત સુરત ક્રાઈમ બ્રાંચની અલગ-અલગ ટીમોએ ગુપ્ત રીતે બાતમીદારો સક્રિય કરીને ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ અને શહેરની સ્થાનિક રીટેઇલ દુકાનોમાંથી શંકાસ્પદ ડેટા એકત્ર કર્યો હતો. આ માહિતીના આધારે પોલીસે વિવિધ સ્થળોએ ઓચિંતા દરોડા પાડીને ગુનાખોરીમાં વપરાતા અત્યંત ઘાતક એવા રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ અને ડ્રેગન નાઇફ જેવા 100થી વધુ અણીદાર ચપ્પાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગેરકાયદેસર રીતે આવા ઘાતક હથિયારો રાખીને રોફ જમાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે.

અલગ-અલગ વિસ્તારોમાંથી રીઢા ગુનેગારોની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનને વધુ વેગ આપતા શહેરના જુદા-જુદા સંવેદનશીલ અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ સઘન તપાસ દરમિયાન પોલીસે ગુનાખોરીની દુનિયા સાથે સંકળાયેલા, અગાઉ પકડાયેલા અને કાયદાનો ભંગ કરનારા કુલ 70થી વધુ રીઢા ગુનેગારો અને અસામાજિક તત્વોને ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. સુરત પોલીસની આ કડક અને તાત્કાલિક રેઇડની કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો