સુરત શહેરના રાંદેર પોલીસ લાઇન વિસ્તારમાંથી એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાંદેર પોલીસ લાઇનના B-4 બિલ્ડિંગમાં અચાનક લિફ્ટ બંધ થઈ જવાના કારણે 10 વર્ષીય બાળક લિફ્ટની અંદર ફસાઈ ગયો હતો. અચાનક લિફ્ટ બંધ થઈ જવાથી બાળકના પરિવારજનોમાં ભારે ચિંતા અને ગભરાટ ફેલાઈ ગયો હતો, કારણ કે નાનું બાળક અંદર એકસૂત્રે ફસાયેલું હતું.

ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટનું લોક ખોલીને અંદર ફસાયેલા 10 વર્ષીય આર્યવીરસિંહ ગોહિલને હેમખેમ બહાર કાઢી લીધો હતો.

સદનસીબે બાળકને કોઈ ઈજા પહોંચી નથી

ફાયર બ્રિગેડની સમયસૂચકતા અને ઝડપી કામગીરીના કારણે બાળકનો સુરક્ષિત બચાવ થયો છે. સદનસીબે આ સમગ્ર ઘટનામાં બાળકને કોઈપણ પ્રકારની શારીરિક ઈજા પહોંચી નથી, જેને કારણે પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો