સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ચર્ચિત શ્યામ સંગીની કાપડ માર્કેટમાં લાગેલી ભયાનક આગના કેસમાં ઉમરા પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. માર્કેટમાં અકસ્માતે નહીં પરંતુ ઈરાદાપૂર્વક આગ લગાડવામાં આવી હોવાનો વિસ્ફોટક ખુલાસો થતાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આ કૃત્ય આચરનાર આરોપી વિનોદ સાવલેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

CCTV ફૂટેજના આધારે થઈ આરોપીની ઓળખ 

શ્યામ સંગીની માર્કેટમાં લાગેલી વિકરાળ આગની ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળના તમામ સીસીટીવી ફૂટેજ બારીકાઈથી ચકાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં આરોપી વિનોદ સાવલે શંકાસ્પદ રીતે આગ લગાડતો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગયો હતો. આ મજબૂત પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપીનું પગેરું દાબી તેને દબોચી લીધો હતો.

વેપારીઓને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન

આરોપીએ ચાંપેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં માર્કેટની આશરે ૨૦ જેટલી દુકાનો સંપૂર્ણપણે ભળીને ખાખ થઈ ગઈ હતી. દુકાનોમાં રાખેલો મોંઘોદાટ કાપડનો જથ્થો અને કિંમતી સામાન બળી જતાં વેપારીઓને કરોડો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં પોલીસે આરોપી વિનોદની સઘન પૂછપરછ હાથ ધરી છે કે તેણે કયા અંગત અદાવત કે કારણોસર આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો