સુરત જિલ્લાના સાયણ-ઓલપાડ રોડ પર આવેલા દેલાડ પાટિયા નજીક આજે સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક પુરઝડપે આવતા ડમ્પર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલી નિર્દોષ યુવતીને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ગોઝારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને અકસ્માતની જાણ થતાં જ દેલાડ ગામના સ્થાનિક રહીશો અને માજી સરપંચ સહિતના લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા.

તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે હાય-હાયના નારા

અકસ્માત બાદ સ્થાનિકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો અને તેમણે સાયણ-ઓલપાડ માર્ગ પર ચક્કાજામ કરી દીધો હતો. લોકોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે આકરા પ્રહારો કરી "હાય હાય" ના સૂત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા 2 વર્ષથી આ માર્ગ પર બોક્સ ગટર લાઈનનું કામ અત્યંત ગોકળગતિએ ચાલી રહ્યું છે. ખુલ્લી ગટર લાઈન અને અત્યંત બિસ્માર સર્વિસ રોડના કારણે જ આજે યુવતીએ પોતાનો કિંમતી જીવ ગુમાવવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.

અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે

આ સમગ્ર અકસ્માતની ભયાનક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. બનાવ અંગે દેલાડ ગામના માજી સરપંચ ભાવિન પટેલ તથા સ્થાનિક રહીશો જેનિસ પટેલ અને ગિરીશ સુરતીએ માર્ગ અને મકાન વિભાગના ભ્રષ્ટ વહીવટ સામે ભારે વિરોધ નોંધાવ્યો હતો. ચક્કાજામના કારણે હાઇવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો ખડકાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લોકોને શાંત પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો