સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા અને સારવાર વ્યવસ્થામાં સુધારો લાવવા માટે હોસ્પિટલ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. OPD સમય દરમિયાન ડોક્ટરોની ગેરહાજરી અને વિલંબથી આવવાની ફરિયાદોને પગલે હવે તમામ ડોક્ટરો માટે સવારે 9 વાગ્યે ફરજિયાત હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફે સવારે 8:30 કલાકે પહોંચીને કામગીરી શરૂ કરી દેવાની રહેશે, જેથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે.

ગેરહાજરી અને મુવમેન્ટ રજિસ્ટર અંગે કડક નિયમો લાગુ

તંત્રના ધ્યાન પર આવ્યું હતું કે સીનિયર ડોક્ટરો ગેરહાજર રહેતા હોવાના કારણે જુનિયર ડોક્ટરો પર કામનું ભારે બારણ વધતું હતું અને દર્દીઓની લાંબી લાઈનો લાગતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે હવે જો કોઈ ડોક્ટર OPD સમયમાં હાજર ન હોય, તો તેમણે લેખિતમાં સ્પષ્ટ ખુલાસો કરવો પડશે. ઉપરાંત, OPD દરમિયાન ક્લિનિકલ કે અન્ય કામ માટે બહાર જતાં પહેલાં 'મૂવમેન્ટ રજિસ્ટર'માં નોંધ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. યોગ્ય કારણ વિના બહાર જનાર ડોક્ટરની ગેરહાજરી અનધિકૃત ગણાશે અને તેમની સામે શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે.

HOD પર જવાબદારી નક્કી: રેકોર્ડ આધારિત કામગીરી થશે

નવા નિયમો મુજબ, OPDમાં સ્ટાફ અને સમગ્ર ટીમ સમયસર હાજર રહે તેની સંપૂર્ણ જવાબદારી જે-તે વિભાગના HOD અને યુનિટ હેડની રહેશે. હવેથી કોઈ પણ મૌખિક રજૂઆતો કે બહાના ચલાવી લેવામાં આવશે નહીં પરંતુ સંપૂર્ણ રેકોર્ડ આધારિત જવાબદારી નક્કી કરાશે. જો દર્દીઓ તરફથી કોઈ ફરિયાદ મળશે તો તેના આધારે મૂવમેન્ટ રજિસ્ટરની વિગતોની બારીકાઈથી તપાસ કરવામાં આવશે, જેથી હોસ્પિટલની શિસ્ત અને દર્દીઓની સુવિધા જળવાઈ રહે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો