સુરત શહેરના જાણીતા મારુતિધામ ખાતે કેપ્ટન સ્મિત મચ્છારના ઉત્તમ આરોગ્ય અને શીઘ્ર સ્વાસ્થ્ય સુધારા (રિકવરી) માટે એક વિશેષ મહાહવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમનું સમગ્ર આયોજન સિદ્ધાર્થ દોશી દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. કેપ્ટન સ્મિત મચ્છાર ટૂંક સમયમાં જ પૂર્ણપણે સ્વસ્થ થઈને દેશ સેવા અને પોતાના પરિવાર વચ્ચે પરત ફરે તેવા શુભ હેતુથી આ ધાર્મિક અનુષ્ઠાન યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
વૈદિક મંત્રોચ્ચારથી વાતાવરણ બન્યું ભક્તિમય
હવન યજ્ઞમાં પધારેલા ભૂદેવોએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને પવિત્ર વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞકુંડમાં આહૂતિઓ અર્પણ કરી હતી. ભૂદેવોના પવિત્ર મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિથી સમગ્ર મારુતિધામનું વાતાવરણ અત્યંત ભક્તિમય અને સકારાત્મક ઊર્જાથી ભરાઈ ગયું હતું. હવનમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ એકત્ર થઈને એકસુરે કેપ્ટન સ્મિત મચ્છારના દીર્ઘાયુ અને ઝડપી રિકવરી માટે ઈશ્વરના ચરણોમાં સમૂહ પ્રાર્થનામાં ભાગ લીધો હતો.
