સુરતની સુમુલ દૂધ મંડળી ફરી એક વખત વિવાદમાં આવી છે. સુમુલ ડેરી વહીવટને લઈને વિવાદનો સામનો કરી રહી છે. વહીવટ મામલે ડેરીના સંચાલકો પર ગેરરીતિના આક્ષેપ થયા હતા. સુમુલ સાથે જોડાયેલી કેટલીક દૂધ મંડળીના પ્રમુખોએ ડેરીમાં ગેરવહિવટ ચાલી રહ્યો હોવાનો ગંભીર આરોપ મુક્યો હતો. જેના બાદ તાજેતરમાં ફરી એક વખત સુમુલ દૂધ મંડળી ફરી વિવાદમાં જોવા મળી.
મંડળીઓના દંડ મામલે પ્રમુખ-ઉપપ્રમુખ સામસામે
સુમુલ ડેરીના માનસિંગ પટેલ અને રાજુ પાઠક ગ્રુપ સામસામે આવ્યા છે. બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા વિવાદને લઈને દૂધ મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ડેરીમાં સામેલ 25 મંડળીઓ પર બહારથી દૂધ લાવવાનો આક્ષેપ હતો. આ મામલામાં ઉપપ્રમુખે MD પર હાથ ઉગામતા ફરિયાદ દાખલ થતા વિવાદ સામે આવ્યો હતો. દરમિયાન ફટકારવામાં આવેલ દંડ માફ કરવાને લઈને ઉગ્ર ચર્ચા થતા ઉપપ્રમુખ ઉશ્કેરાયા. ડેરીમાં મંડળીઓને ફટાકરવામાં આવેલ દંડમાં ઉગ્ર ચર્ચા દરમિયાન પ્રમુખ માનસિંગ પટેલ અને ઉપ પ્રમુખ રાજુ પાઠક ગ્રુપ આમને સામને આવી ગયા હતા. અને વાત જો વધુ વકરતો તો મહેસાણા ડેરીમાં લાફા કાંડ બાદ સુરતની સુમુલ ડેરીમાં પણ લાફા વાળી જોવા મળત.
દૂધમંડળી વિવાદમાં આવતા પ્રમુખ ભૂગર્ભમાં
બહારથી દૂધ લાવી સુમુલમાં પધરાવતા વિવાદ મુદ્દે સુમુલના ઉપપ્રમુખ રાજુ પાઠકે અગાઉ MD પર હાથ ઉગામતા સચિવને ફરિયાદ કરવામાં આવી હતી. ઉપપ્રમુખનો આક્ષેપ છે કે સુમુલમાં વિવાદનો વંટોળ ઊભો થાય એટલે પ્રમુખ ભૂગર્ભમાં ઊતરી જાય છે. સુમુલ વહીવટી તંત્ર એ બહારથી દૂધ લાવી પધરાવતી મંડળીઓને 3.25 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારે દંડ માફ કરવાની ચર્ચા વખતે ઉશ્કેરાયેલા ઉપપ્રમુખ રાજુ પાઠકની હરકતથી ત્યાં હાજર સૌકોઈ દંગ રહી ગયા હતા.
બહારથી દૂધ લાવવાનો સમગ્ર મામલો શું છે?
સુરત અને તાપી જિલ્લાના માંગરોળ, કામરેજ, મહુવા, નિઝર, કુકરમુંડા, ઉચ્છલ, સોનગઢ અને વ્યારાની ૨૫ મંડળીઓ બહારથી દૂધ લાવી સુમુલ ડેરીમાં પધરાવતી હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. અન્ય જિલ્લા કે રાજ્યમાંથી દૂધ લાવી ચિલિંગ પ્લાન્ટમાં સંગ્રહ કરીને સવાર અથવા સાંજના સમયે એડજસ્ટમેન્ટ કરીને નહીં નોંધાયેલા મંડળો અને દૂધ ખરીદ કેન્દ્રો મારફતે ઠંડું દૂધ સુમુલ ડેરીને પધરાવતી ૨૫ મંડળીઓને ૩.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકારાયો છે. મંડળીઓને મસમોટો દંડ ફટકારાતા કેટલાક ડિરેક્ટરોના પેટમાં તેલ રેડાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો.