સુરત શહેરના કાપડ બજારના હૃદયસમાન સલાબતપુરા વિસ્તારમાં આવેલી આદિનાથ ટેક્સટાઈલ માર્કેટમાં અચાનક આગ ભુમકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સવારે આશરે 10:30 વાગ્યાના સુમારે માર્કેટના ત્રીજા માળે આવેલી એક કાપડની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. દુકાનમાં કાપડનો વિપુલ જથ્થો હોવાના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે સમગ્ર માર્કેટમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
ફાયર ફાઈટરોની મદદથી આગ કાબૂમાં
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. આગની ગંભીરતાને ધ્યાને રાખીને 15થી 20 જેટલા ફાયર ફાઈટરો અને વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર ફાઈટરોના જવાનોએ ચોતરફથી પાણીનો મારો ચલાવીને સતત બે કલાકની ભારે જેહમત અને કવાયત બાદ આગ પર સફળતાપૂર્વક પૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આગ કાબૂમાં આવ્યા બાદ કોઈ જોખમ ન રહે તે માટે હાલ ઘટનાસ્થળે કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

