સુરતમાં કાપડ મિલોમાં કામ કરતા શ્રમિકોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરમાં કરંટ લાગવાની અલગ-અલગ ઘટનાઓમાં એક જ દિવસમાં 3 લોકોના કરૂણ મોત નિપજતાં ઉદ્યોગ જગત અને શ્રમિક વર્ગમાં ભારે હાહાકાર મચી ગયો છે. મિલ સંચાલકો દ્વારા સુરક્ષાના સાધનો અને વાયરિંગની યોગ્ય જાળવણી ન કરવામાં આવતી હોવાના કારણે શ્રમિકોએ પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

પાંડેસરાની સહજ મિલમાં 21 વર્ષીય યુવકનું મોત

પ્રથમ ઘટનામાં પાંડેસરા વિસ્તારમાં આવેલી 'સહજ મિલ'માં કામ કરતી વખતે એક 21 વર્ષીય યુવાન કાળનો કોળિયો બન્યો છે. મૂળ શ્રમિક 21 વર્ષીય અનિલ શર્મા મિલમાં સિલાઈ મશીન પર કામ કરી રહ્યો હતો, તે સમયે અચાનક વીજપ્રવાહ ચાલુ થઈ જતાં તેને ભીષણ કરંટ લાગ્યો હતો. ગંભીર હાલતમાં સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારજનોએ મિલ માલિકની ગંભીર બેદરકારીનો આરોપ લગાવી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે.

પોલીસે મિલની બેદરકારી સામે તપાસ શરૂ કરી

બીજી બાજુ લીંબાયત વિસ્તારમાં આવેલી મિલમાં પણ કામ કરતી વખતે 22 વર્ષીય કિશાન મિત્રા નામના શ્રમિકનું કરંટ લાગવાથી કમકાતીભર્યું મોત નીપજ્યું હતું. સુરતમાં અવારનવાર મિલોમાં સુરક્ષાના અભાવે શ્રમિકોના થતાં મોતને પગલે સ્થાનિક પોલીસ અને ઔદ્યોગિક સુરક્ષા વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. એક જ દિવસમાં શ્રમિકોના કમકમાટીભર્યા મોતને કારણે મિલ માલિકો સામે ગુનો નોંધી ન્યાયી તપાસ કરવાની માંગ બળવત્તર બની છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો