સુરત અને ઉદયપુર વચ્ચે દોડનારી દક્ષિણ ગુજરાતની પહેલી વંદે ભારત ટ્રેનને આગામી બીજી ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ લીલીઝંડી બતાવી ઉદયપુર માટે પ્રસ્થાન કરાવશે.શુક્રવારે સવારે 10 વાગ્યે સુરતથી રવાના થશે.આ ટ્રેનનું પહેલી ઓક્ટોબરથી બુકિંગ શરૂ થશે.જોકે 30મીએ પણ રેલવેતંત્ર દ્વારા આ ટ્રેન ભાડા બાબતે ફોડ પાડવામાં આવ્યો નથી.જોકે, શુક્રવારે ઉદ્ઘાટન રન બાદ ટ્રેન તેના શિડ્યુઅલ પ્રમાણે દોડાવશે. આધુનિક સલામતી, વર્લ્ડ-ક્લાસ સુવિધાઓ અને ઝડપી પ્રવેશથી સજ્જ આ સ્વદેશી ટ્રેન બંને ઐતિહાસિક શહેરો વચ્ચે મુસાફરીનો સમય નોંધપાત્ર ઘટાડશે.
આજથી બુકિંગ શરૂ કરાયું
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીના જણાવ્યા મુજબ,ટ્રેન નં.26904 ઉદયપુર- સુરત વંદે ભારત 3 ઓક્ટોબરથી અને ટ્રેન નં.26903 સુરત- ઉદયપુર વંદે ભારત 4 ઓક્ટોબરથી નિયમિત સેવામાં જોડાશે.મંગળવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ દોડનારી આ ટ્રેન સુરતથી સવારે 6.10 વાગ્યે ઉપડી બપોરે 1.40 વાગ્યે ઉદયપુર પહોંચશે.જ્યારે પરત ફરતી વેળા ઉદયપુરથી બપોરે 3.35 વાગ્યે રવાના થઈ રાત્રે 11.00 વાગ્યે સુરત આવી પહોંચશે.આ ટ્રેન ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસારવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર અને જાવર સ્ટેશને થોભશે.ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને એસી ચેરકાર કોચ હશે.નિયમિત ટ્રેનનું બુકિંગ 1 ઓક્ટોબરથી PRS કાઉન્ટર તથા IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.
