સુરતના ઉધના વિસ્તારમાં આવેલી 'મધુરમ ક્રિએશન' નામની કાપડની ફેક્ટરીમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. કારખાનામાં કામ કરતા 31 વર્ષીય પવનકુમાર રામ ઉજાગીર રોજિંદા કામ મુજબ મશીન ચાલુ કરી રહ્યા હતા. તે જ સમયે અચાનક વીજ પ્રવાહ ચાલુ થતાં તેમને જોરદાર કરંટ લાગ્યો હતો. આ સમગ્ર દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ઘટનાની ગંભીરતા સ્પષ્ટ જોઈ શકાય છે.

નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા 

ઘટના બનતાની સાથે જ આસપાસના લોકો અને સહકર્મીઓ દ્વારા પવનકુમારને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ જ તેમને મૃત જાહેર કર્યા હતા. વીજ કરંટના કારણે યુવકે સ્થળ પર જ જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.

બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

પવનકુમારના અકાળે થયેલા અવસાનથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ કરુણ ઘટનામાં બે માસૂમ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે, જેથી સમગ્ર વિસ્તારમાં અને પરિવારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. હાલમાં ઉધના પોલીસે ઘટના અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો