સુરતમાં ચોમાસાની ઋતુ દરમિયાન જર્જરિત મકાનો અને સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આવી જ એક મોટી અને ભયાનક દુર્ઘટના સુરતના ઉધના વિસ્તારમાં આજે સવારે સામે આવી છે. ઉધના ખાતે આવેલી કાશીનગર સોસાયટીમાં એક મકાનના પહેલા માળની ગેલેરીનો મોટો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. ગેલેરીનો સ્લેબ પડવાનો પ્રચંડ અવાજ આવતા જ આજુબાજુના સ્થાનિક રહીશો અને સોસાયટીના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પહેલા માળે રહેતા લોકો ફસાયા

ગેલેરીનો ભાગ ધરાશાયી થવાને કારણે મકાનનો મુખ્ય રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના લીધે પહેલા માળે ઘરમાં હાજર લોકો અંદર જ બંધક બની ગયા હતા અને ફસાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક આ અંગે સુરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં ફાયર ફાઈટરોની ટીમ તમામ આધુનિક રેસ્ક્યુ સાધનો અને સીડીઓ સાથે મિનિટોમાં જ કાશીનગર સોસાયટી ખાતે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.

પાંચ સભ્યોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા 

આ સફળ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન બે મહિલાઓ સહિત પરિવારના કુલ પાંચ સભ્યોને કોઈપણ પ્રકારની ઈજા વગર હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા, જેથી પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદને કારણે જૂની ઇમારતોની દીવાલો, છજ્જા અને સ્લેબ તૂટી પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા પણ જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અથવા સુરક્ષિત સ્થળે ખસી જવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે ઉધનાની આ ઘટનાએ તંત્રની દોડધામ વધારી દીધી છે. 


આ પણ વાંચો----   Gujarat Latest News Live : નર્મદા ડેમમાં 24 કલાકમાં 10 સેન્ટિમીટરનો પાણીની આવકમાં વધારો