દિવાળી અને તહેવારોના આગમનને લઈને સુરતમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકો તથા નાગરિકોમાં પોતાના વતન જવાની ભારે આતુરતા જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં જવા માટે મુસાફરોનું વિશાળ માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સ્ટેશન પર આવેલો 10 હજાર મુસાફરોની ક્ષમતાવાળો પ્રતીક્ષા હોલ (Waiting Hall) પણ ખચોખચ ભરાઈ ગયો છે. શ્રમિકોને તહેવારો નિમિત્તે મળેલી રજાઓને પગલે વતન જવા માટે સ્ટેશન પર ભારે દોડધામ મચી ગઈ છે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત
મુસાફરોની અવિરત ભીડ અને ટ્રેનોમાં બેસવા માટે થતી પડાપડીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે અફરાતફરી ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે GRP (સહાયક રેલવે પોલીસ), RPF (રેલવે સુરક્ષા દળ) અને સ્થાનિક પોલીસની ટીમોને ચુસ્ત બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા સતત માઈક પર જાહેરાતો કરીને મુસાફરોને શાંતિ જાળવવા અને ધક્કામુક્કી ન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
