સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરાછા ઝોન વિસ્તારમાં પાલિકાની ડિમોલિશન ટીમ દ્વારા મંજૂરી વિના કરવામાં આવેલા વધારાના બાંધકામ પર મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા અગાઉ અનેક નોટિસો પાઠવવામાં આવી હોવા છતાં, બિલ્ડર દ્વારા ગેરકાયદે બાંધકામ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું, જેના પરિણામે તંત્રને આખરે આકરાં પગલાં લેવાની ફરજ પડી હતી.
ટી.પી. 4 અશ્વિનીકુમાર-નવાગામમાં બુલડોઝર ફરી વળ્યું
આ કાર્યવાહી ટી.પી. સ્કીમ નંબર 4, અશ્વિનીકુમાર - નવાગામ ખાતે આવેલી ઇમારતો પર કરવામાં આવી હતી. અહીં બિલ્ડર દ્વારા મહાનગરપાલિકા પાસેથી ગ્રાઉન્ડ ફ્લોર વત્તા 4 માળ (G+4)ની મંજૂરી લેવામાં આવી હતી. જોકે, પાસ થયેલા પ્લાનનો ખુલ્લેઆમ અનાદર કરીને બિલ્ડરે નિયમો વિરુદ્ધ જઈને વધારાના બે માળનું ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. પાલિકાની ટીમે સ્થળ પર પહોંચીને છ જેટલી ઇમારતોમાં કરાયેલું વધારાનું બાંધકામ તોડી પાડ્યું હતું.
