સુરત શહેરમાં ગણેશ ચતુર્થીથી દિવાળી દરમિયાન તહેવારોની મોસમમાં સુરતીલાલાઓએ વાહનોની ધૂમ ખરીદી કરીને નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે.આ માત્ર બે મહિનામાં સુરતમાં રૂ.1,143.41 કરોડના અધધ 42,337 નવા વાહનો રજિસ્ટર થયા છે.વાહનોના બમ્પર વેચાણથી રાજ્ય સરકારની તિજોરીમાં વાહન વેરા પેટે કુલ રૂ. 68.60 કરોડની જંગી આવક જમા થઈ છે.શહેરમાં નોંધાયેલા વાહનોના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો શહેરમાં સામાન્ય અને મધ્યમ વર્ગથી લઈને ધનિક વર્ગ સુધી તમામ સ્તરે ખરીદીનું જોરદાર મોજું જોવા મળ્યું હતું.
શહેરમાં કુલ 33,000 ટૂ-વ્હીલર્સની ખરીદી થઈ
આ સમયગાળા દરમિયાન શહેરમાં કુલ 33,000 ટૂ-વ્હીલર્સ અને 6,500 ફોર-વ્હીલર્સની નોંધણી કરવામાં આવી હતી.આ ઉપરાંત, સુરતીઓના લક્ઝુરિયસ શોખને પ્રતિબિંબિત કરતી કુલ રૂ.48.23 કરોડની જંગી કિંમત ધરાવતી 78 હાઈ-એન્ડ લક્ઝરી કાર પણ આ બે મહિનામાં રજિસ્ટર થઈ હતી. ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના વેચાણમાં થયેલા આ અભૂતપૂર્વ વધારાએ સ્થાનિક બજારમાં નાણાકીય પ્રવાહિતા વધારી છે.વાહનોની આટલી મોટી સંખ્યામાં થયેલી ખરીદી સુરત શહેરના વાહન વ્યવહાર અને ગતિશીલતામાં મોટો વધારો સૂચવે છે.તહેવારો દરમિયાન ખરીદાયેલી કારોમાં રૂ.1.89 કરોડની કિંમત ધરાવતી 'રેન્જ રોવર ઓટોબાયોગ્રાફી' સૌથી મોંઘી કાર સાબિત થઈ હતી. જેની ઓન-રોડ કિંમત રૂ.3.39 કરોડે પહોંચી હતી.
