સુરત શહેરનો ધમધમતો વીવિંગ (ટેક્સટાઇલ) ઉદ્યોગ સામી દિવાળીએ ભારે આર્થિક સંકટમાં સપડાયો છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવમાં સતત તોતિંગ વધારો થવાના કારણે કાપડનું ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચી ગયું છે. મોંઘા યાર્નની સામે તૈયાર ગ્રે કાપડના યોગ્ય અને પૂરતા ભાવ ન મળતાં વીવર્સની પડતર કિંમત ખૂબ ઊંચી આવી રહી છે. પરિણામે, ગંભીર આર્થિક નુકસાનમાંથી બચવા માટે વીવર્સ એકમોએ ઉત્પાદન પર સીધો બ્રેક લગાવી દીધો છે.

કારખાના બંધ રાખી ઉત્પાદન ઘટાડાશે

મૂડી ફસાઈ જવાની ભારે ભીતિને કારણે વીવિંગ એકમોએ યાર્નની નવી ખરીદી કરવાનું હાલ પૂરતું અટકાવી દીધું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે સુરતના વીવર્સ એકમોએ સ્વયંભૂ અઠવાડિયામાં 2 દિવસ કારખાના બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વીવિંગ અગ્રણીના જણાવ્યા અનુસાર, મોટો આર્થિક ખાડો ટાળવા અને સતત વધતા ખર્ચને કાબૂમાં રાખવા માટે રજા રાખવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

Surat's textile industry hit by recession

લાઈટબિલ અને કામદારોના પગારનું ભારણ ઘટશે

દિવાળીના તહેવારો ટાણે કારીગરોનો પગાર, બોનસ અને અન્ય આનુષંગિક ખર્ચાઓ પહોંચી વળવા માટે વેપારીઓ સામે લિક્વિડિટી (રોકડ) ની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. અઠવાડિયામાં બે દિવસ મશીનો બંધ રહેવાથી વીજ વપરાશમાં ઘટાડો થશે, જેનાથી તોતિંગ લાઈટબિલનો બોજ હળવો થશે. આ ઉપરાંત, કામના દિવસો ઘટવાથી દૈનિક ઉત્પાદન ખર્ચ અને પગારના ભારણ પર પણ ચોક્કસ નિયંત્રણ લાવી શકાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો