સુરત શહેરના અડાજણ, રાંદેર, અઠવા સહિતના વિસ્તારોમાં ગંદા અને પીળા પાણીની ફરિયાદો સામે આવી રહી છે. આ મામલે અડાજણ વોર્ડ નંબર 10નાં ભાજપનાં કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યું હતું. તેમણે પીળા પાણીની સમસ્યાને માનવસર્જિત ભૂલ નહીં, પરંતુ અલનીનોની અસર સાથે જોડતાં ઉકાઈ ડેમમાંથી 11 હજાર ક્યુસેક પાણી છોડવાની માંગ કરી હતી. જોકે, રાંદેર ઝોનના ડીવાયએમસી મહેશ ચાવડાએ અલનીનોના કારણે દૂષિત પાણી આવતું હોવાની વાતને નકારી છે.
ઉર્વશી પટેલે અલનીનોને ગણાવ્યું કારણ
કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર શેર કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે રાંદેર, અઠવા સહિતના વિસ્તારોમાં પીળા અને ડહોળા પાણીની ફરિયાદો મળી રહી છે. પાણીથી રોગચાળો ફેલાઈ શકે છે, તેથી આ ફરિયાદોને અવગણી શકાય નહીં. તેમણે આ રજૂઆત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર સુધી પહોંચાડી હોવાનું પણ જણાવ્યું હતું. તેમના દાવા પ્રમાણે, અલનીનોની અસરને કારણે તાપી નદીનું પાણી ઘટ્યું છે. નદીનું સ્તર નીચે જતાં પાણીના સંગ્રહમાં માટીનો ભાગ આવી શકે છે અને તેના કારણે પાણીની ગુણવત્તા પર અસર થતી હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની માંગ
કોર્પોરેટરે ઉકાઈ ડેમમાંથી આગામી દિવસોમાં 11 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવે તો તાપી નદીમાં પાણીની આવક વધે અને સ્તર ઊંચું આવે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમના જણાવ્યા મુજબ, આ પગલાથી પીળા પાણીની સમસ્યાના ઉકેલમાં મદદ મળી શકે છે.
પાણીનું સ્તર નીચું આવ્યું છે
કોર્પોરેટરે પોતાના નિવેદનમાં અલનીનોની અસરને કારણે નદીના પાણી સુકાઈ ગયાં હોવાનો દાવો કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, તાપી નદીમાં અગાઉ બારેમાસ પૂરતા પ્રમાણમાં પાણી વહેતું હતું, પરંતુ હાલ નદીમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું છે અને પાણીનું સ્તર નીચું આવ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો કે નદીનું પાણીનું સ્તર ઘટતાં માટીનો ભાગ પાણીના સંગ્રહમાં આવી શકે છે, જેના કારણે પાણીની ગુણવત્તા પર અસર થતી હોવાની શક્યતા છે.
https://www.instagram.com/reel/DfCEHGZgF3u/?utm_source=ig_web_button_share_sheet
ભાજપ કોર્પોરેટરે વીડિયોમાં શું કહ્યું ?
તેમણે સોશિયલ મીડિયાના વિડીયોમાં જણાવ્યું કે સોશિયલ મિડીયાના માધ્યમથી કોર્પોરેટર તરીકે મારા વિસ્તારના જે પણ મિત્રમંડળ છે અને નથી તેમણે શેર કરીને જણાવજો સુરતમાં રાંદેર ઝોન અઠવા ઝોન અને અન્ય વિસ્તારમાં પીળા પાણીની ફરિયાદ છે. પાણીથી બધા રોગ થતા હોય છે અને જેન્યુઇન ફરિયાદ છે કે પીળું થોડુ ડહોળુ પાણી બધાના ઘેર આવે છે આ રજૂઆત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર સુધી પહોંચાડી છે. આ પીળુ પાણી આવવાનું કારણ માનવસર્જિત ભુલ નથી. હમણા અલનીનોની અસર દુનિયામાં છે એનું આ એક પ્રેરક બળ છે અલનીનોની અસરથી નદીના પાણી સુકાઇ ગયા છે. તાપી મૈયાનું પાણી આપણા દરેકના ઘર સુધી પહોંચે છે. હમણા નદી કાંઠે રહેતા હોય અને તમે જોશો કે બારે માસ ફુલ ફ્લેઝમાં તાપી મૈયા વહેતી હતી પણ તે અત્યારે નાળા તરીકે પાણી હોય તેટલું જ પાણી નદીમાં છે. પાણીનું તળ નીચે આવી ગયું છે. જ્યારે કોઇ નદીનું પાણી નીચે આવે ત્યારે માટીનો ભાગ પાણીના સ્ટોરેજમાં આવે. તમારી રજૂઆત આવે છે તે ચલવી ના લેવાય. આપણે શું કરી શકીએ તેના પગલા લેવાના શરુ કરાયા છે. ઉકાઇ ડેમમાંથી આવનારા દિવસોમાં 11 ક્યુસેક પાણી છોડે તો તાપીમાં પાણીની આવક થાય અને પાણીનું સ્તર ઉંચુ આવે અને સમસ્યા નિરાકરણ આવે.. જેટલું બને તેટલું કામ કરીને પાણી શુદ્ધ આવે તેમ કરીશું...અમે તમારી સાથે છીએ. અમુક વખતે કુદરતની અસરને નકારી શકતા નથી. આજે મે ન્યુઝપેપરમાં વાંચ્યું કે ઇઝરાયેલનો એક પ્રાંત વર્ષો પહેલા નદીમાં દબાઇ ગયેલો હતો પણ હવે નદીના પાણી સુકાઇ ગયા તો તે પ્રાંતના તમામ ઘર બહાર આવી ગયા. તે અલનીનોની અસર છે. આપણી નદીમાં પણ થોડા અંશે એનો ફરક આવે એટલે આ અલનીનોની અસર છે. કોઇ માનવ સસર્જિત ભુલ નથી, કોઇ કાઉન્સિલરની ભુલ નથી કોઇ પદાધિકારીની ભુલ ની. આપની સમસ્યાનું નિવારણ લાવી તમારા ઘર સુધી શુદ્ધ પાણી આવે તે માટે સર્વ પદાધીકારી ચિંતીત છે અને કાર્યરત છે.
મારો વિડીયો તમે જોઇ લો
આ મામલે કોર્પોરેટર ઉર્વશી પટેલને સંદેશ ડિજીટલ દ્વારા ટેલિફોનીક સંપર્ક કરાયો હતો અને ખરેખર અલનીનોના કારણે પીળુ દૂષિત પાણી આવે છે તે વિશે લોજીક જાણવાનો પ્રયાસ કરાયો હતો પણ તેમણે મારો વિડીયો તમે જોઇ લો તેમાં હું બધુ બોલેલી છું તેમ કહીને વધારે બોલવાનું ટાળ્યું હતું અને ફોન કાપી નાંખ્યો હતો
અલનીનોના કારણે દૂષિત પાણી આવતું નથી
બીજી તરફ આ મામલે રાંદેર ઝોનના ડીવાયએમસી મહેશ ચાવડાનો પણ સંદેશ ડિજીટલ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરાયો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે અલનીનોના કારણે દૂષિત પાણી આવતું નથી. તાપીમાં પાણી સુકાઇ ગયું છે. ઉકાઇ ડેમમાંથી વધારાનું નવું પાણી આવી જશે એટલે સમસ્યાનો હલ થઇ જશે.
આ પણ વાંચો : New Delhi : કેન્દ્ર સરકારની દિવાળી ભેટ, કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધાર્યું