સુરત શહેરમાં રાહદારીઓને નિશાન બનાવી મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના ગુના આચરતી કુખ્યાત ગેંગ સામે રાંદેર પોલીસે મોટી સફળતા મેળવી છે. રાંદેર પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને આ ગેંગના બે મુખ્ય સાગરીતો મુસ્તુફા ઉર્ફે ટીલીડો મહેમૂદ સૈયદ અને અયાન ઉર્ફે અલ્લાહ રખા ગાંચીને રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના 5મોબાઈલ ફોન અને હેરાફેરીમાં વપરાયેલી મોટરસાયકલ મળી કુલ રૂ. 1,35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાહદારીઓને નિશાન બનાવી ફરાર થઈ જતા

આ તમામ આરોપીઓની મોડસ ઓપરેન્ડી અંગે પોલીસે જણાવ્યું કે આ શખ્સો રસ્તા પર એકલદોકલ ચાલતા રાહદારીઓની પાછળ બાઈક લઈને આવતા હતા. ત્યારબાદ તક મળતાં જ સ્પીડમાં મોબાઈલ આંચકીને ક્ષણવારમાં વાહન પર ફરાર થઈ જતા હતા. આ રીતે આરોપીઓએ અનેક નિર્દોષ નાગરિકોને પોતાના શિકાર બનાવ્યા હતા, જેમના વિરુદ્ધ વિવિધ પોલીસ મથકોમાં ફરિયાદો પણ નોંધાઈ હતી.

આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલા છે ગુના 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે. આરોપી મુસ્તુફા ઉર્ફે ટીલીડો વિરુદ્ધ ભૂતકાળમાં 12થી વધુ ગંભીર ગુના અને 3 પાસા (PASA)ની કાર્યવાહી નોંધાઈ ચૂકી છે. જ્યારે તેના સાગરીત અયાન ઉર્ફે અલ્લાહ રખા વિરુદ્ધ પણ અગાઉ 2 ગુના નોંધાયેલા છે. રાંદેર પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે જેથી અન્ય કેટલા સ્નેચિંગના બનાવો ઉકેલાય છે તે સામે આવી શકે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો