સુરતમાં ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણ જાળવણી માટે એક નવો જ ઇતિહાસ રચાયો છે. દેશમાં પ્રથમ વખત સુરતના 'સરકાર ગ્રુપ' દ્વારા સંપૂર્ણપણે ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરીને ભગવાન શ્રીજીની અત્યંત આકર્ષક અને ઇકો-ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. જળ પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર શ્રદ્ધાપૂર્વક પર્વ ઉજવવાના હેતુથી આ અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી, જેને સુરત શહેર અને સમગ્ર રાજ્યભરમાં ભારે આવકાર મળ્યો છે.
સુરતમાં દેશનું પહેલું અનોખું ગણેશ વિસર્જન
આ વિસર્જન પ્રક્રિયાની સૌથી ખાસ વાત એ રહી કે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કોઈપણ નદી, તળાવ કે દરિયામાં કરવાને બદલે એક વિશેષ સ્થળે રાખવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિવત્ પૂજન, ગંગા આરતી અને પંચામૃત અભિષેક કર્યા બાદ મૂર્તિ પર ઉપરથી ફુવારા થકી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જેમ જેમ ફુવારામાંથી પાણીની ધારા મૂર્તિ પર પડતી ગઈ તેમ તેમ ટિશ્યૂ પેપરની બનેલી ગણેશ મૂર્તિ મિનિટોમાં જ સહેલાઈથી ઓગળવા લાગી હતી અને વિસર્જન સંપન્ન થયું હતું.
