સુરત શહેરમાં વરસી રહેલા તોફાની વરસાદ વચ્ચે એક અત્યંત હૃદયદ્રાવક અને કાળજું કંપાવતી ઘટના સામે આવી છે. સુરતના રાંદેર વિસ્તારમાં અચાનક ભારે ગડગડાટ સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આ કુદરતી આફતની ચપેટમાં આવી જતાં ત્યાં હાજર બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતક બંને બાળકો રાંદેરના સ્થાનિક કિનારા સ્ટ્રીટ વિસ્તારના જ રહેવાસી હોવાનું માલૂમ પડ્યું છે, જેના કારણે આખો મહોલ્લો સ્તબ્ધ થઈ ગયો છે.
ફરજ પરના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા
વરસાદ દરમિયાન અચાનક વીજળી પડતાં જ બંને બાળકો ઘટનાસ્થળે જ ગંભીર રીતે દાઝી ગયા હતા અને બેભાન થઈને ઢળી પડ્યા હતા. આસપાસના સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા અત્યંત ગભરાટના માહોલ વચ્ચે બંનેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ શરીરની ચકાસણી કરીને બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા.
