ગુજરાત રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર કમોસમી વરસાદ આફત બનીને આવ્યો છે. અચાનક બદલાયેલા મોસમના કારણે ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ ગયો છે, જેનાથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. આ ગંભીર પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત આપવા માટે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક મહત્ત્વપૂર્ણ પત્ર લખ્યો છે.


પત્રમાં દેવા માફીની ભલામણ

ધારાસભ્ય કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે, બદલાતા હવામાનને કારણે ગુજરાતના ખેડૂતને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડે છે. વારંવારની નુકસાની અને ઓછી આવકને કારણે ખેડૂતો દેવામાં ડૂબતા જાય છે. કાનાણીએ સ્વીકાર્યું હતું કે સરકાર ખેડૂતોને સહાય આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ સહાય પાકને થયેલા મોટા નુકસાનની ભરપાઈ કરી શકતી નથી. "આ કારણે સરકારે ખેડૂતને દેવા મુક્ત કરવા માટે તેનું દેવું માફ કરવા વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ," એમ પત્રમાં જણાવવામાં આવ્યું છે.

ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી 

કુમાર કાનાણીએ સરકારને સંબોધીને જણાવ્યું હતું કે, ખેડૂતને દેવામુક્ત કરવા માટે રાજ્ય સરકારે કેટલાક બિનજરૂરી પ્રોજેક્ટના કામો અને સરકારી ખર્ચાઓ બંધ કરવા જોઈએ, અને તે બચતનો ઉપયોગ ખેડૂતોને રાહત આપવામાં કરવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેડૂતને બેઠો કરવો ખૂબ જરૂરી છે, કારણ કે જો ખેતી ઓછી થશે તો રાજ્ય અને દેશ સમક્ષ ખૂબ મોટી આર્થિક અને ખાદ્ય સુરક્ષાની સમસ્યા ઊભી થશે. આ પત્ર બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ખેડૂતોને થતા નુકસાન અને દેવા માફીની માંગણી અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સૌની નજર ટકેલી છે.

  • Follow us on: