સુરતના ગીચ અને વેપારી વિસ્તાર ગણાતા વરાછાના ઘનશ્યામનગર ખાતે તાજેતરમાં એક યુવક સાથે ઓનલાઇન લૂંટનો સનસનાટીભર્યો બનાવ બનવા પામ્યો હતો. પીડિત યુવકને Grindr નામની ડેટિંગ એપ્લિકેશન મારફતે સંપર્ક કરી મુલાકાત માટે બોલાવવામાં આવ્યો હતો. યુવક સ્થળ પર પહોંચતાં જ આરોપીઓએ તેને ઘેરી લીધો હતો અને ચપ્પુ બતાવી ઢોર માર માર્યો હતો.

સુરતમાં Grindr ડેટિંગ એપ લૂંટકાંડનો પર્દાફાશ

આરોપીઓએ યુવક પાસે રહેલો મોબાઇલ ફોન તેમજ ખિસ્સામાંથી 5,500 ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને જો કોઈને વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.ઘટના અંગે પીડિત યુવકે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે ત્વરિત તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં લૂંટને અંજામ આપનાર ત્રણેય આરોપીઓ અચીત ઉર્ફે લેમ્બો, જયેશ ઉર્ફે મામુદડુ અને રાજ ઉર્ફે કાળીયોને ઝડપી લીધા હતા.

વરાછા પોલીસે 3 શાતિર આરોપીઓને પકડી પાડ્યા

પોલીસે આરોપીઓ પાસેથી લૂંટવામાં આવેલો મોબાઇલ ફોન અને રોકડા 5,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગહન પૂછપરછમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓ Grindr તેમજ અન્ય ઓનલાઇન એપ્લિકેશન્સ પર ખોટા પ્રોફાઇલ બનાવી લોકોને મળવા બોલાવતા હતા અને અવાવરૂ જગ્યાએ લઈ જઈ માર મારી લૂંટી લેતા હતા. પોલીસ રેકોર્ડની તપાસ કરતા સામે આવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય ઈસમો સામે અગાઉ પણ ચોરી, લૂંટ અને મારામારી જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આ પણ વાંચો: Gandhinagar: SQAAF સ્વ-મૂલ્યાંકનની તારીખ લંબાવાઈ, 8 સપ્ટેમ્બર સુધી શાળાઓ કરી શકશે એન્ટ્રી