સુરત જિલ્લામાં આગામી ચૂંટણી પ્રક્રિયા અને મતદારયાદી સુધારણા કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સુરત સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં કલેક્ટરે મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આખું શેડ્યુલ જાહેર કર્યું હતું અને નાગરિકોને તેમાં સક્રિયપણે જોડાવવા અપીલ કરી હતી.
27 નવેમ્બરે પ્રસિદ્ધ થશે મતદારયાદીનો મુસદ્દો
જાહેરાત કરવામાં આવી છે કે, આગામી 27 નવેમ્બરના રોજ સુરત જિલ્લાની મતદારયાદીનો મુસદ્દો સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. આ મુસદ્દો પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો તેમાં પોતાના નામ અને વિગતો ચકાસી શકશે. જો યાદીમાં કોઈ ભૂલ હોય કે નામ કમી કરવાનું હોય, તો તેના માટે પ્રક્રિયા હાથ ધરી શકાશે.
નામ ઉમેરવા, કમી કરવા અને સુધારા માટે વિશેષ તક
મતદારયાદીમાં નામ ઉમેરવા, કમી કરવા તેમજ જરૂરી સુધારા-વધારા કરવા માટે 27 નવેમ્બરથી 26 ડિસેમ્બર 2026 સુધી હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારવામાં આવશે. આ સમયગાળા દરમિયાન નાગરિકો પોતાની અરજીઓ રજૂ કરી શકે છે, જેનું વહીવટી તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે.
18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનોને મળશે ખાસ તક
જે યુવાધન આગામી 1 જાન્યુઆરી 2027ના રોજ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી રહ્યા છે, તેવા તમામ લાયક યુવાનોને મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવાની સુવર્ણ તક મળશે. લોકશાહીના આ પર્વમાં નવા યુવા મતદારો ઉત્સાહભેર જોડાઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
18 જાન્યુઆરી 2027ના રોજ પ્રસિદ્ધ થશે આખરી મતદારયાદી
તમામ વાંધા અરજીઓ અને સુધારાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આગામી 18 જાન્યુઆરી 2027ના રોજ સુરત જિલ્લાની આખરી મતદારયાદી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે પત્રકાર પરિષદના માધ્યમથી પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને આ લોકશાહી પ્રક્રિયામાં સહયોગ આપવા અને સમયમર્યાદામાં જરૂરી ફેરફારો કરી લેવા અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો: Surat News: નાસીરનગર ડિમોલિશન મામલે મનપાના વલણ સામે અસરગ્રસ્ત પરિવારોમાં ભારે રોષ