સુરત શહેરને જોડતો અને હજારો લોકો માટે સમય તથા અંતર બચાવતો મહત્વનો માર્ગ વિયર કમ કોઝવે દિવાળીના તહેવાર બાદ ફરી એકવાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ કોઝવે રાંદેર અને સીંગણપોર વિસ્તારને જોડે છે, અને તેના બંધ થવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં વિયર કમ કોઝવે દિવાળી બાદ બંધ
કોઝવે બંધ કરવા પાછળનું મુખ્ય કારણ નદીમાં પાણીની આવક વધતા તેની ઊંચી સપાટી છે. હાલમાં કોઝવેની સપાટી ૬.૮૮ મીટર નોંધાઈ છે. કોઝવેને ફરીથી વાહનવ્યવહાર માટે ખોલવા માટે તેની સપાટી ૬ મીટરથી નીચે જવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ કોઝવે ઓગસ્ટ મહિનામાં પણ માત્ર ૧૪ દિવસ માટે જ ખોલી શકાયો હતો, ત્યારબાદ પાણીની આવક વધતા તેને ફરી બંધ કરવો પડ્યો હતો.
લોકો 7 કિમી વધુ અંતર કાપવા મજબૂર
વિયર કમ કોઝવે બંધ રહેવાના કારણે રાંદેર અને સીંગણપોર વિસ્તારમાં રહેતા અને અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેમને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે આખો 7 કિલોમીટર જેટલો લાંબો ગોળ ફરીને બીજો રસ્તો કાપવા માટે મજબૂર થવું પડી રહ્યું છે, જેના કારણે સમય અને ઇંધણ બંનેનો વ્યય થાય છે. કોઝવે 6 મીટરથી નીચે જાય અને તે ફરીથી ખુલ્લો મુકાય તેની સ્થાનિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.









