સુરત પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં પાંચ વર્ષ પહેલા ચોરાયેલા મોપેડનો મેમો તેના માલિકના ઘરે આવ્યો. આ ઘટનાએ સુરત પોલીસની વાહન ચોરીના કેસમાં નિષ્ક્રિયતા અને બેદરકારીનો પર્દાફાશ કર્યો છે. વાહન ચોરી થયા બાદ વાહનમાલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પાંચ વર્ષ સુધી પોલીસે વાહન શોધવા માટે કોઈ તસ્દી લીધી ન હતી.
ટ્રાફિક પોલીસે મેમે મોકલ્યો
આશ્ચર્યની વાત તો એ છે કે, ટ્રાફિક પોલીસના CCTV કેમેરામાં આ ચોરાયેલું મોપેડ દેખાયું હતું, જેના આધારે મેમો જનરેટ થયો. જોકે, ટ્રાફિક પોલીસે કે અન્ય પોલીસ વિભાગે આ વાહનને પકડી પાડવા કે ચોરને શોધી કાઢવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. CCTV ફૂટેજ હોવા છતાં, પોલીસે આ મામલે કોઈ પગલાં ન ભર્યા અને માત્ર ઇ-મેમો મોકલીને પોતાની ફરજ પૂરી કરી. આ ઘટના સ્પસ્ટપણે દર્શાવે છે કે, પોલીસ વાહન ચોરીના કેસોને કેટલી ગંભીરતાથી લે છે.
પોલીસની નિષ્ક્રિયતા
આ ઘણા પછી સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે, છેલ્લા પાંચ વર્ષથી સુરત પોલીસ શું કરી રહી હતી? ફરિયાદ નોંધાયા બાદ પણ પોલીસે વાહન શોધવાનો પ્રયાસ કેમ ન કર્યો? જો પોલીસ ઈચ્છતી તો CCTV ફૂટેજની મદદથી આ વાહન અને ચોરને શોધી શકી હોત. પરંતુ પોલીસની નિષ્ક્રિયતાએ ચોરને પાંચ વર્ષ સુધી બિંદાસ ફરવા દીધો. આ કિસ્સો માત્ર એક મોપેડનો નથી, પરંતુ તેવા અનેક કિસ્સાઓનો સંકેત આપે છે જ્યાં પોલીસની બેદરકારીને કારણે ગુનેગારોને મોકળું મેદાન મળે છે.