સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આગામી 30 નવેમ્બર સુધીના સમયગાળા માટે નવું વિન્ટર શિડ્યુલ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.આ નવા જાહેર કરાયેલા શિડ્યુલ અનુસાર સુરત એરપોર્ટ પરથી કુલ 2 ઇન્ટરનેશનલ તેમજ 17 ડોમેસ્ટિક ડાયરેક્ટ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવનાર છે.હવાઈ મુસાફરોની સુવિધા અને અવરજવરને ધ્યાનમાં રાખીને વિન્ટર શિડ્યુલમાં દેશના અગ્રણી મહાનગરો અને વિદેશના મુખ્ય મથકોને સીધી ફ્લાઇટ્સથી સાંકળી લેવામાં આવ્યા છે. સુરત એરપોર્ટ પરથી જાહેર કરવામાં આવેલા નવા વિન્ટર શિડ્યુલમાં આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

દૈનિક સીધી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે

સુરત એરપોર્ટથી એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા દુબઇ માટે દૈનિક સીધી સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેમાં આ ફ્લાઇટ દરરોજ સુરતથી સવારે 7.10 વાગ્યે રવાના થશે અને દુબઇથી પરત આવીને બપોરે 2.5 વાગ્યે સુરત એરપોર્ટ પર લેન્ડ થશે.આ ઉપરાંત ખાડી દેશો સાથે જોડાણ વધારવા માટે શારજાહ માટે પણ ફ્લાઇટ સંચાલિત થશે.જે અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે દર બુધવાર,શુક્રવાર અને રવિવારે બપોરે 3.5 વાગ્યે સુરતથી ઉડાન ભરશે અને રાત્રે 10.00 વાગ્યે સુરત પરત ફરશે.આમ વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે આ બંને ફ્લાઇટ્સ અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે.

રવિવારે ખાસ ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવશે

બીજી તરફ ડોમેસ્ટિક કનેક્ટિવિટીના ભાગરૂપે દેશના વિવિધ મહત્વના શહેરો માટે સુરતથી કુલ 17 ડાયરેક્ટ ફ્લાઇટ્સનું આવાગમન નિર્ધારિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી માટે દરરોજ નિયમિત 5 ફ્લાઇટ્સનું સંચાલન થશે.જ્યારે મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે મંગળવાર,બુધવાર અને રવિવારે 1 વધારાની ફ્લાઇટ મળીને કુલ 6 ફ્લાઇટ્સ કાર્યરત રહેશે.દક્ષિણ ભારતના આઇટી હબ બેંગલુરુ માટે દરરોજ 2 ફ્લાઇટ્સ ઉડાન ભરશે,જ્યારે સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે વધારાની ફ્લાઇટ તેમજ રવિવારે ખાસ ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. 

બુધવાર અને રવિવારે સીધી વિમાની સેવા મળશે

દેશના અન્ય મુખ્ય શહેરો જેવા કે હૈદરાબાદ,જયપુર, ગોવા અને કોલકાતા માટે સુરતથી દૈનિક સીધી ફ્લાઇટ સેવાઓ યથાવત્ રાખવામાં આવી છે.તદુપરાંત સ્ટાર એર દ્વારા જામનગર માટે અઠવાડિયામાં ચાર દિવસ એટલે કે મંગળવાર,ગુરુવાર, શનિવાર અને રવિવારે ફ્લાઇટ ચલાવાશે, જ્યારે ચેન્નાઇ માટે અઠવાડિયામાં બે દિવસ બુધવાર અને રવિવારે સીધી વિમાની સેવા મળશે.આ નવા શિડ્યુલના અમલીકરણ સાથે સુરતથી દિલ્હી, બેંગલુરુ, કોલકાતા અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરો તેમજ જયપુર, ગોવા અને જામનગર જેવા પ્રવાસન કે ઔદ્યોગિક કેન્દ્રો સુધીની મુસાફરી વધુ સરળ બનશે. સુરતના ઉદ્યોગ જગત, વેપારીઓ તેમજ સામાન્ય મુસાફરો માટે 25 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધીનું આ આયોજન ખૂબ અનુકૂળ રહેશે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદમાં AQI 109 પર પહોંચ્યો, પ્રદૂષણ વધતાં થતાં શ્વાસના દર્દીઓ માટે જોખમ