સુરેન્દ્રનગર જિલ્લાના 4 નાગરિકો પવિત્ર યાત્રાધામ મક્કા ખાતે ઉમરાહ અદા કરવા માટે ગયા હતા, પરંતુ વતન પરત ફરતી વખતે અચાનક મુશ્કેલી સર્જાઈ છે. અમદાવાદ આવતી તેમની ફ્લાઇટ રદ થઈ જતાં તમામ 4 યાત્રીઓ હાલ મક્કા ખાતે જ રોકાવા મજબૂર બન્યા છે. ફ્લાઇટ રદ થવાના કારણે તેમની ઘરવાપસીમાં વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને સુરેન્દ્રનગરમાં વસતા તેમના પરિવારજનોમાં શરુઆતમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો.
પરિવારજનોને મળ્યા રાહતના સમાચાર
મક્કામાં અટવાયેલા તમામ 4 યાત્રીઓ સાથે સંપર્ક સાધવામાં આવ્યો છે અને તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ છે. ઉમરાહની ધાર્મિક વિધિઓ પૂર્ણ થઈ ચૂકી હોવાથી તેઓ હાલ પોતાની સુવિધાસભર જગ્યાએ રોકાયેલા છે. પરિવારજનો અને ટ્રાવેલ એજન્સી સતત તેમના સંપર્કમાં છે, જેથી કોઈ અગવડતા ન પડે. યાત્રીઓ સુરક્ષિત હોવાના સમાચાર મળતા જ પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.
