સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ફરી એકવાર હિંસક જૂથ અથડામણની ઘટના સામે આવી છે, જેમાં 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલ છે. થાનગઢના ચિત્રાલાખા અને અમરાપર ગામના બે જૂથો વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં આ અથડામણ થઈ હતી. ફાયરિંગ અને હુમલામાં કુલ ચાર લોકોને ઈજા પહોંચી છે.


થાનગઢમાં 8 રાઉન્ડ ફાયરિંગ

પ્રાથમિક માહિતી મુજબ, એક યુવક કારમાં જઈ રહ્યો હતો ત્યારે કોઈ સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાએ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને જૂથો સામસામે આવી ગયા હતા. હિંસક અથડામણ દરમિયાન પહેલા પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ અસામાજિક તત્વો દ્વારા હવામાં કે અન્ય સ્થળે 8 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.આ ફાયરિંગ અને હુમલામાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે તાત્કાલિક રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વળી, ઝઘડા દરમિયાન કારમાંથી રૂપિયા બે લાખ પણ લઈ લેવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

થાનગઢમાં જૂથ અથડામણ 

ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં DySP, PI સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવીને તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, છેલ્લા બે મહિનાના સમયગાળામાં થાનગઢ તાલુકામાં ત્રીજી વખત ફાયરિંગની ઘટના બની છે, જે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરીને આરોપીઓને ઝડપી પાડવા અને વિસ્તારમાં શાંતિ સ્થાપવા માટે પ્રયાસો કરી રહી છે.

  • Follow us on: