સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે યોજાયેલા લોકમેળામાં રાઇડ્સમાંથી અચાનક નીચે પટકાવાના કારણે 12 વર્ષીય માસૂમ કિશોરીના કમકમાટીભર્યા મોતની ઘટનામાં પોલીસે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. મેળામાં સ્થળ પર તૈનાત રાઇડ્સ ઓપરેટરની ઘોર બેદરકારી અને સુરક્ષાના અભાવના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો ગંભીર આરોપ મૂકીને મૃતક બાળકીના પિતાએ આખરે વઢવાણ પોલીસ મથકે પહોંચીને સંચાલક સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.
રાઇડ્સ ઓપરેટર કામરખાન પઠાણની બેદરકારી સામે આવી
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, વઢવાણ લોકમેળામાં પરિવાર સાથે આવેલી 12 વર્ષની કિશોરી આનંદ-પ્રમોદ માટે ઝૂલા રાઇડ્સમાં બેઠી હતી. તે સમયે રાઇડ્સ ઓપરેટર દ્વારા સુરક્ષાની યોગ્ય તકેદારી ન રાખવામાં આવતાં ચાલુ રાઇડ્સમાંથી કિશોરી સીધી જ નીચે જમીન પર ફેંકાઈ ગઈ હતી. ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે બાળકીનું સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક બાળકીના પિતાએ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને ઝૂલા ઓપરેટર કામરખાન પઠાણ સામે આકરા પગલાં ભરવાની માગ સાથે ગુનો નોંધાવ્યો છે.
