રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આવેલ સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામની સીમમાં ગેરકાયદેસર અને અનધિકૃત રીતે ચાલી રહેલા ફ્યુઅલ પંપ પર સરકારી તંત્ર દ્વારા આકરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. લાંબા સમયથી બાયોફ્યુઅલ/HVO ઇંધણના અનધિકૃત વેચાણ અંગે મળી રહેલી બાતમીના આધારે સરકારી સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચીને અનધિકૃત ફ્યુઅલ પંપને સીઝ કરી દીધો છે. હાઇવે પર બનેલી આ ઘટનાથી ગેરકાયદેસર ઇંધણનો વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

સમુદ્ર એગ્રો એજન્સી પર દરોડા

આ દરોડા દરમિયાન 'સમુદ્ર એગ્રો એજન્સી' નામના સ્થળ પરથી સંયુક્ત ટીમને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો અંદાજે 1,240 લીટર HVO (Hydrotreated Vegetable Oil) ફ્યુઅલનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા આ સમગ્ર ઇંધણના જથ્થા સાથે મશીનરી અને અન્ય સાધનસામગ્રી મળીને કુલ રૂ. 1.16 લાખ નો માતબર મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો. પરવાનગી વગર હાઇવે પર વાહનચાલકોને અનધિકૃત ઇંધણ વેચવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ, મામલતદાર અને પુરવઠા વિભાગની સંયુક્ત કાર્યવાહી

આ સમગ્ર સફળ કામગીરી પોલીસ વિભાગ, મામલતદાર કચેરી અને જિલ્લા પુરવઠા વિભાગની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ફ્યુઅલની ગુણવત્તા અને તેમાં કરવામાં આવતી ભેળસેળની વિગતો જાણવા માટે ઇંધણના ખાસ નમૂનાઓ (સેમ્પલ) એકત્ર કરીને લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ સંબંધિત એજન્સીના સંચાલકો સામે વધુ કડક ફોજદારી અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો : Dwarka News : પરીક્ષાનો ડર કે સિસ્ટમની નિષ્ફળતા? કોમર્સના વિદ્યાર્થીના આપઘાતથી ખળભળાટ, પોલીસે ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી