સુરેન્દ્રનગરના લક્ષ્મીપરામાં આવેલ સસ્તા અનાજની દુકાનેથી ગરીબ પરીવારોને મળતો સસ્તા અનાજનો જથ્થો સગેવગે થતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે શનીવારે મોડી સાંજે રેડ કરી હતી. જેમાં સસ્તા અનાજના દુકાનદાર, મજુરો અને જથ્થો લેવા આવનાર સહિત 6ને રૂપીયા 3.37 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા છે.


સુરેન્દ્રનગર એ ડીવીઝન પીઆઈ એમ.એચ.પુવારની સુચનાથી સ્ટાફ શહેરમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે લક્ષ્મીપરામાં આવેલ સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબોને મળનાર ઘઉં, ચોખા સહિતનો જથ્થો સગેવગે થતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે રેડ કરી હતી. જેમાં સસ્તા અનાજના દુકાનદાર રણછોડ તુલસીભાઈ ચાવડાની દુકાનેથી બોલેરો પીકઅપમાં સસ્તા અનાજનો જથ્થો મજુરો દ્વારા ભરાતો હોવાનું નજરે પડયુ હતુ. આથી આ જથ્થો કયાં લઈ જવાય છે તેમ પુછપરછ કરાતા રણછોડ ચાવડા કોઈ સંતોષકારક જવાબ આપી શકયો ન હતો.

આથી પોલીસે સસ્તા અનાજના દુકાનદાર 80 ફુટ રોડ પરની નંદનવન સોસાયટીમાં રહેતા રણછોડ તુલસીભાઈ ચાવડા, અનાજના કટ્ટા લેવા-મુકવાની મજુરી કરતા મફતીયાપરામાં રહેતા જીલુ શંકરભાઈ શીહોરા, વડનગરના દીપક દલસુખભાઈ દલોલીયા, મુળીના દાણાવાડાના મહેશ ઉર્ફે અશોક રઘુભાઈ મુંજપરા, વડનગરના સાગર દલાભાઈ દલોલીયા અને પીકઅપ લઈ માલ લેવા આવનાર જોરાવરનગર ફુવારા પાસે રહેતા પારસ એન્ટરપ્રાઈઝ ચલાવતા પારસ કીરીટભાઈ ગાંધીની અટક કરી હતી. જયારે ઘઉંના 20 કટ્ટા, ચોખાના 7 કટ્ટા અને ચણાના પ કટ્ટા કિંમત રૂપીયા 37 હજાર તથા રૂપીયા 3 લાખની બોલેરો મળી કુલ રૂપીયા 3.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને એ ડીવીઝન પોલીસ મથકે નોંધ કરી વધુ તપાસ અર્થે પુરવઠા વિભાગને સોંપાયુ છે.


  • Follow us on: