મૂળી તાલુકાના દાણાવાડા ગામે શ્રાવણ માસના પ્રથમ સોમવારે તસ્કરો ત્રાટકયા હતા. જેમાં ત્રણ રહેણાંક મકાનમાં ચોરીને અંજામ આપ્યો હતો. આ ચોરી કરનાર સુરેન્દ્રનગરના તસ્કરને એલસીબી ટીમે ચોરીના રૂ. 4.74 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયો છે.


મૂળી તાલુકાના દાણાવાડા ગામે રહેતા 62 વર્ષીય નટવરભાઈ જગજીવનભાઈ પારેજીયા ખેતી કરે છે. ગત તા. 28-7ના રોજ તેઓ તેમના મિત્રના ઘરે કામમાં મદદ કરવા ગયા હતા. 15-20 મીનીટ પછી તેઓ ઘરે પરત આવતા એક શખ્સ ઘરના દરવાજામાંથી ભાગતો નજરે પડયો હતો. જયારે ઘરનો સામાન અસ્તવ્યસ્ત અને તીજોરી તુટેલી હતી. તપાસ કરતા સોનાના ઘરેણા અને રોકડ મળી કુલ રૂ.34 હજારની મત્તા ચોરાઈ હતી. જયારે આ સમયગાળામાં જ ગામના મુકેશ જીવણભાઈ સંઘાણીના ઘરેથી રોકડ અને ઘરેણા મળી રૂ. 31 હજાર અને મનસુખભાઈ માધાભાઈ સંઘાણીના ઘરેથી રૂ. 10 હજાર રોકડા ચોરાયા હતા. આ અંગે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા પીએસઆઈ આર.એચ.ઝાલા, અજયસીંહ, અશ્વીનભાઈ સહિતનાઓને અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ દુધરેજ સાતનાળા પાસે રહેતો શખ્સ ચોરીનો મુદ્દામાલ વેચવાની પેરવી કરતો હોવાનું તથા શહેરના હેલીપેડ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં વિનોદ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઈ સરવૈયાને ઝડપી લીધો હતો. તેની પાસેથી સોનાની કડલી, માળા, ચેન, વીંટી, ચાંદીનો કંદોરો, છડા, રોકડા રૂ. 29 હજાર મળી કુલ રૂ. 4,74,480નો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ શખ્સ વર્ષ 2024માં અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ધોલેરા પોલીસ મથક વિસ્તારમાં થયેલ ચોરીમાં ફરાર હોવાનું ખુલ્યુ છે. જયારે તે વાળ ખરીદવાના બહાને તહેવારોના દિવસો નીકળી રેકી કરી ચોરીને અંજામ આપતો હતો. ઝડપાયેલા આરોપી સામે ભાવનગરના બોર તળાવ, પાલનપુર, સુરતના વરાછા, ગીર સોમનાથ, રાજકોટ બી ડીવીઝન, સુરેન્દ્રનગર એ ડીવીઝન, બોટાદ, નવસારીના જલાલપોર, સુરતના કાપોદ્રા, રાજકોટના ગાંધીગ્રામ, કચ્છના ભચાઉ, વઢવાણ, નવસારી ટાઉન પોલીસ મથકે કુલ 21 ગુના નોંધાયા હોવાનું સામે આવ્યુ છે.


  • Follow us on: