પાટડી પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કાર લાગતા પીછો કર્યો હતો. જેમાં ધ્રાંગધ્રા હાઈવે પર હરીપુરા ફાટક પાસે કાર પલટી ખાઈ ગઈ હતી. અને બે શખ્સો પોષ ડોડવાના જથ્થા સહિત રૂ. 4,63,700ના મુદ્દામાલ સાથે પકડાયા હતા. આ બન્નેને નશાકારક પદાર્થ આપનાર સહિત ત્રણ સામે પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.


પાટડી પોલીસના ભારતસીંહ જાડેજા સહિતની ટીમ શનિવારે રાત્રે સાવડા ગામના બોર્ડ પાસે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે જૈનાબાદ-દસાડા તરફથી આવતી એક સફેદ કલરની મહીન્દ્રા બોલેરો કારને રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે કાર ભગાવી મુકી હતી. આથી પોલીસને શંકા જતા પીછો કર્યો હતો. અને પાટડી પીઆઈ બી.સી.છત્રાલીયાને જાણ કરી પાટડી સર્કલે નાકાબંધી કરવા જણાવ્યુ હતુ. પરંતુ કાર ધ્રાંગધ્રાના રસ્તે ફરાર થઈ જતા બજાણા પોલીસને પણ જાણ કરાઈ હતી. આ કારનો પોલીસે પીછો કરતા ધ્રાંગધ્રા હાઈવે પર હરીપુરા ફાટક પાસે કાર પલટી મારી ગઈ હતી અને તેમાંથી બે શખ્સો બહાર નીકળી ફરાર થાય તે પહેલા પોલીસે તેઓને દબોચી લીધા હતા. જેમાં બન્નેની પુછપરછ કરતા તેઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના અશોક પ્રહલાદરામ જાટ અને ટીકમારામ પ્રહલાદરામ જાટ હોવાનું તથા કારમાં પોષ ડોડવા હોવાનું જણાવ્યુ હતુ. આ પોષ ડોડવાનો જથ્થો તેઓ રાજસ્થાનના બાડમેર જિલ્લાના જ રમેશકુમાર પુનમારામ જાટ પાસેથી લાવ્યા હોવાનું અને કચ્છના ભચાઉ તાલુકાના ચીરઈ ગામ આસપાસ શ્રામીકોને વેચવા જતા હોવાનું પણ જણાવ્યુ હતુ. પોલીસે પોષ ડોડવાનો જથ્થો 67 કિલો અને 900 ગ્રામ કિંમત રૂપીયા 2,03,700, રૂપીયા 2.50 લાખની કાર અને રૂપીયા 10 હજારના 2 મોબાઈલ મળી કુલ રૂપીયા 4,63,700ની મત્તા કબજે કરી ત્રણેય સામે પાટડી પોલીસ મથકે એનડીપીએસ એકટ હેઠળ ફરિયાદ નોંધી છે. અન્ય આરોપીને ઝડપી લેવા વધુ તપાસ પીઆઈ બી.સી.છત્રાલીયા ચલાવી રહ્યા છે.


  • Follow us on: