મૂળી તાલુકાના ખાટડી ગામે બહેન સાથે વાત કરવા બાબતનો વહેમ રાખી બે ભાઈઓએ એક યુવાન પર તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઈ જવાયો છે. બનાવની મૂળી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


મૂળી તાલુકાના ખાટડી ગામે રહેતા 21 વર્ષીય સંજય ઉર્ફે રણજીતભાઈ કરશનભાઈ બોહકીયા મજુરી કરે છે. તેઓ તેઓના કુંટુંબી ગામના લાખા ઘનશ્યામભાઈ બોહકીયા અને સુનીલ ઘનશ્યામભાઈ બોહકીયાની બહેન સાથે અગાઉ વાત કરતા હતા. ત્યારે આ બન્નેને સંજય તેઓની બહેનને ખોટા રસ્તે ચડાવતો હોવાનો શક વહેમ હતો. અને આ બાબતે તેઓ મનદુઃખ રાખતા હતા. તા. 31મી જુલાઈના રોજ રાત્રે સંજયભાઈ તેમની વાડીએ હતા. ત્યારે લાખાએ ફોન કરી કરશનના દિકરા હોય તો ગામના દરવાજા પાસે આવ તેમ કહ્યુ હતુ. આથી સંજયભાઈ બાઈક લઈને ત્યાં ગયા હતા. જયાં લાખો તલવાર લઈને અને સુનીલ છરી લઈને ઉભો હતો. અને અપશબ્દો કહી અમારી બહેન સાથે કેમ વાત કરે છે તેમ કહી બન્નેએ તલવાર અને છરી વડે હુમલો કર્યો હતો. અને મારી બહેન સાથે હવે વાત કરી છે. તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવમાં સંજયભાઈને જમણા હાથની કોણીથી ઉપરના ભાગે, પેટના ભાગે અને પીઠના ભાગે ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે મૂળી પોલીસ મથકે બન્ને ભાઈઓ સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ બીટ જમાદાર જી.એસ.મકવાણા ચલાવી રહ્યા છે.


  • Follow us on: