ચૂડા તાલુકાના કોરડા ગામના બસ સ્ટેશન પાસે રહેતા ભાવેશભાઈ બાલકૃષ્ણભાઈ રાઠોડ ફર્નીચર કામ કરે છે. તેમના ઘરે ધાબા ઉપર આવેલ રૂમમાં લાકડાના કબાટમાં તેઓ તેમના પત્નીના ઘરેણા રાખે છે. અને ચાવી પોતાની પાસે જ રાખે છે. તા. 19-11ના રોજ પરિવારને સામાજીક કામ સબબ સોમનાથ જવાનું હોઈ પત્નીને ઘરેણા પહેરવા હોઈ તે આપવા માટે ભાવેશભાઈએ કબાટ ખોલતા કબાટ પેહલે જ ખુલ્લો હતો. આથી તેઓએ તપાસ કરતા કોઈ શખ્સ કબાટમાં ડબામાં રાખેલ સોનાનો હાર, સોનાની બુટ્ટી, વીંટી, સોનાનો કાપ સહિતના ઘરેણા ચોરી કરીને લઈ ગયા હતા.
આ અંગે તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળી આવતા અંતે ભાવેશભાઈએ તા. 26-11ના રોજ રાત્રે અજાણ્યા શખ્સ સામે રૂપીયા 3,65,400ના સોનાના આભુષણોની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં ફરિયાદીની પુછપરછમાં તેમના ગામ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા આવેલ ભાવેશભાઈનો કૌટુંબીક સાઢુ વઢવાણ તાલુકાના ખોડુ ગામે રહેતો કલ્પેશ ભરતભાઈ હંસોરા પર પોલીસને શક ગયો હતો. આ અંગે એલસીબી પીઆઈ જે.જે.જાડેજાને જાણ થતા સ્ટાફના અજયસિંહ, અશ્વિનભાઈ, મેહુલભાઈ સહિતનાઓએ દુધરેજ પાસે વોચ રાખીને કલ્પેશ હંસોરાને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચોરીના મુદ્દામાલ ઉપરાંત મોબાઈલ, બાઈક સહિત રૂ. 4,00,400ની મત્તા જપ્ત કરાઈ છે. પોલીસની તપાસમાં તે કોરડા દર્શને જતા સાઢુના ઘરે ગયો અને ઘરેણાનો ડબો જોઈ ગયો હતો. અને ચોરીને અંજામ આપ્યો હતો. એલસીબી ટીમે આરોપીને ચુડા પોલીસને હવાલે કરતા ઈન્ચાર્જ પીઆઈ એન.એ.ડાભી સહિતનાઓએ તેને કોર્ટમાં રજૂ કરવા વધુ તજવીજ હાથ ધરી છે.










