સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજમાં રહેતા નવનીતભાઈ જેઠાભાઈ પટેલને તા. 7-9ના રોજ અજાણ્યા વ્યકતીએ મુકેશ નામ આપી સસ્તામાં ડોલર માટે ફોન કર્યો હતો.
આ વાત તેઓએ તેમના કુટુંબી અમીતભાઈ અશોકભાઈ પટેલને કરી હતી. અમીતભાઈના નાના ભાઈને ઓસ્ટ્રેલિયા જવાનું હોવાથી સસ્તામાં ડોલર મળશે તેવી લાલચે બન્ને મુકેશે મોકલેલા જીતુભાઈ નામના શખ્સને લીંબડી બસ સ્ટેશન પાસે મળ્યા હતા. જેમાં ડોલરની નોટ જોતા સાચી હોવાથી 8571 ડોલર 1ના પ્રતી રૂપીયા 70ના ભાવે લેવાનું નક્કી થયુ હતુ. જયારે તા. 13-9ના રોજ બન્ને લીંબડી આવ્યા હતા. અને જીતુભાઈએ મોકલેલા શખ્સે 100-100 ડોલરની નોટો બતાવી હતી. આથી તેને રૂપીયા 6.20 લાખ આપી બદલામાં ડોલર લીધા હતા. પરંતુ કારમાં જઈને જોતા 1-1 ડોલરની જ 175 નોટો નીકળી હતી. આ અંગે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી ટીમે ગેંગના સુત્રધાર ભાવનગરના ઉમરાળા તાલુકાના અજય હિંમતભાઈ ચુડાસમાને ઝડપી લીધો હતો. આ શખ્સ તેની ગેંગના બોટાદના અનીલ વેરશીભાઈ શેખલીયા, બોટાદના સમઢીયાળા ગામના હરેશ, સુરેન્દ્રનગરના રાજુ રવજીભાઈ સાથળીયા અને શકિત ઉર્ફે ગરબડ સાથે મળી આ કારનામાને અંજામ આપતો હોવાનું જણાવ્યુ હતુ. તેઓ અમેરીકન ચલણ ડોલરની 100 ડોલર અને 1 ડોલરની નોટનો કલર અને સાઈઝ સરખા હોવાનો તેઓ ફાયદો ઉઠાવતા હતા. અને ફેસબુક તથા વોટસએપ થકી લોકોને શોધી તેઓને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના ભંગારમાંથી નોટો મળી હોવાનું કહી શીશામાં ઉતારતા હતા. ત્યારે એલસીબી ટીમના અજયસિંહ અને અશ્વીનભાઈને આ કેસનો ફરાર આરોપી શકિત ઉર્ફે ગરબડ શહેરના હેલીપેડ પાસે હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં પોલીસે ફીરદોષ સોસાયટી પાસે રહેતા શકિત ઉર્ફે ગરબડ માધુભાઈ રાણેવડીયાને ઝડપી લઈ લીંબડી પોલીસના હવાલે કર્યો છે.










