સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના દીગસર પાસે અને વઢવાણ ગણપતિ ફાટસર પાસે અકસ્માતના 2 બનાવો બન્યા છે. જેમાં દીગસર પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં ટ્રેકટર ચાલકને તથા વઢવાણમાં વૃધ્ધાને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા છે.
વેળાવદર-સુરેન્દ્રનગર રૂટની એસ.ટી.બસ મુળી તાલુકાના દીગસર પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે સામેથી આવતા ટ્રેકટર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેકટર અને બસ બન્ને રસ્તાની સાઈડમાં ઉતરી ગયા હતા. આ બનાવની જાણ થતા મુળી પીઆઈ પી.બી.લક્કડની સુચનાથી સ્ટાફ દોડી ગયો હતો. અને ઈજાગ્રસ્ત ટ્રેકટર ચાલકને સારવાર માટે દવાખાને લઈ જવાયો હતો. જયારે એસ.ટી.બસમાં સવાર વિદ્યાર્થીઓ અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસ.ટી.ના ડ્રાઈવરનું નીવેદન લઈ પોલીસે બનાવની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.










