ચૂડા તાલુકાના સોનઠા ગામે ગામ તળના પ્લોટની હરાજી ખોટી રીતે થઇ હોવાની ગ્રામજનોની સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને લેખીત રજૂઆત કર્યા બાદ તપાસ સોંપાઇ હતી તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારીના આદેશ મુજબ ચૂડા ટીડીઓએ સોનઠાના 47 પ્લોટની ફાળવણીની હરાજીનો હુકમ રદ્ કરવાનો હુકમ કરતા ગ્રામજનોએ આનંદ વ્યકત કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર સોનઠા ગામે પંચાયતમાં બેઠા બેઠા જ મળતીયાઓને પ્લોટ ફાળવી દીધાનો પણ ભાંડો ફૂટયો છે. સોનઠા ગામમાં ત્રણ માસ અગાઉ નવા ગામતળની સર્વે નંબર 983 વાળી 15469 ચોરસ મીટર વાળી જમીનમાં 47 પ્લોટ પાડી જુન-2025ના રોજ ગ્રામપંચાયત દ્વારા પ્લોટની હરરાજી કરાઇ હતી.બીજી તરફ સોનઠા ગામના રૂપાભાઇ રાઠોડ,તુલસીભાઇ પરમાર અને સામાજીક કાર્યકર રાજુભાઇ કરપડા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારીને પ્લોટ ફાળવણીમાં ગેરરીતી થયાની રજૂઆત કરી હતી. હરાજીની ગ્રામજનોને જાહેરમાં જાણ નહી કરી પ્લોટ મળતીયાઓને ફાળવી દીધાના પણ આક્ષેપો કરી તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી.ત્યાર બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપી હતી.એવામાં તપાસ કમીટીના રીપોર્ટ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ સોનઠા ગ્રામપંચાયત દ્વારા કરાયેલ પ્લોટની હરાજી રદ્ કરવાનો હુકમ કરતા ચુડા તાલુકા પંચાયતના ટી.ડી.ઓ.એ આ હરાજી રદ્ કરવાનો પંચાયતને હુકમ મોકલી આપતા પંચાયત અને તાલુકા પંચાયતના સ્ટાફમાં ફફળાટ વ્યાપી ગયેલ છે. પ્લોટ ફાળવણીની હરરાજી રદ્ કરતા હરરાજીમાં ગેરરીતી થયાનું પુરવાર થતા હવે આ ગેરરીતીમાં સામેલ સ્ટાફ સામે પણ તવાઇ બોલાઇ શકે છે.


  • Follow us on: